પોલીસકર્મી ઉપર હુમલો કરવાના ગુનામાં કુખ્યાત માજીદ ભાણુંની જામીન અરજી મંજૂર કરતી કોર્ટ
શહેરમાં રૂૂખડિયાપરામાં મહિલાના મકાન ઉપર માજીદ અને તેના સાગ્રીતોએ સોડા-બોટલોના ઘા કર્યા હતા. જે ઘટનામાં ઘટના સ્થળે દોડી ગયેલાપોલીસમેનો ઉપર હુમલો કરવાના ગુનામાં જેલ હવાલે રહેલા કુખ્યાત માજીદ ઉર્ફે માજલો રફિક ભાણુંની જામીન અરજી અદાલતે મંજૂર કરતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ શહેરમાં રૂૂખડિયાપરામાં મહિલાના મકાન ઉપર માજીદ અને તેના સાગ્રીતોએ સોડા-બોટલોના ઘા કર્યા હતા. જે અંગે જાણ થતાં પ્ર.નગર પોલીસ મથકના બે કોન્સ્ટેબલ તેને પકડવા જામનગર રોડ પરના સ્લમ કવાર્ટર પાસેના હુડકો કવાર્ટરમાં ગયા હતા. ત્યારે માજીદ અને તેના સાગ્રીતોએ આ બંને કોન્સ્ટેબલો ઉપર હુમલો કરી તેમને ભગાડી દીધા હતા. એટલું જ નહીં તેમના સરકારી બાઈકમાં તોડફોડ કરી, પોલીસને પડકાર ફેંકયો હતો.
આ ગુના બાદ ભાગી ગયેલા માજીદને સવા મહિના પછી એસઓજીએ ઝડપી લીધો હતો. ચીફ કોર્ટ દ્વારા જામીન નાં મંજૂર કરી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. બાદમાં માજીદ ભાણુંએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.
જે જામીન અરજી ચાલવા ઉપર આવતા માજીદ ભાણુંનાં વકીલ દ્વારા વિવિધ મુદ્દાઓ જેવા કે પોલીસ ફક્ત માજીદને ટાર્ગેટ કરી કોઈ પણ રીતે ગુનો નોંધી તેના ગુજ્સીટોકનાં જામીન કેન્સલ કરાવા માટે આ કાર્યવાહી કરતી હોય અને માજીદ એક પણ ગુન્હાની જગ્યાએ હાજર ન હતો. આથી પ્રથમ દર્શનીય કેસ બનતો ન હોય અને હાલના ગુનામાં જામીન પર છોડવા માટે ગુનાહિત ઈતિહાસ ધ્યાને લેવો ન જોઈએ તેમજ હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટનાં વિવિધ ચુકાદાઓ રજૂ કર્યા હતા. જે ધ્યાને લઈ સેશન્સ કોર્ટ દ્વારા માજીદ ભાણુંના જામીન મંજૂર કરતો હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસમાં માજીદ ભાણું વતી અજીતભાઈ પરમાર, હુસેનભાઈ હેરંજા, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, રવિભાઈ લાલ, જીત શાહ, ફેઈઝાન સમા, અંકીતભાઈ ભટ્ટ તથા રહીમભાઈ હેરંજા રોકાયા હતા.