સાયલાના ધારાડુંગરી ગામમાંથી 5.99 લાખનો દેશી દારૂ અને વાહન જપ્ત
પોલીસ ટીમોએ ચેકિંગ કરતા ખેતરમાંથી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઇ હતી
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના દ્વારા વિશેષ કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ પોલીસ અધિક્ષક વી.એમ.રબારીના માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસને મળેલી બાતમીના આધારે ધારાડુંગરી ગામની સીમમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
રાતુ તળાવ વિસ્તારમાં કુકાભાઈ ઉગરેજાના ખેતરમાંથી દેશી દારૂૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ હતી. પોલીસે સ્થળ પરથી ગરમ આથો 800 લીટર, ઠંડો આથો 5,250 લીટર, ગરમ દેશી દારૂૂ 10 લીટર અને ઠંડો દેશી દારૂૂ 270 લીટર જપ્ત કર્યો હતો. આ ઉપરાંત 1,400 કિલો અખાદ્ય ગોળ અને એક બોલેરો પિકઅપ ગાડી મળી કુલ રૂૂ. 5,99,250નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ કેસમાં ધારાડુંગરી ગામના કુકાભાઈ દેવાભાઈ ઉગરેજા, પ્રવીણભાઈ દેવાભાઈ ઉગરેજા, વિપુલભાઈ વીનાભાઈ ઉગરેજા અને થાનગઢ તાલુકાના નળખંભા ગામના વિજયભાઈ સુખાભાઈ સારલા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. દરોડા દરમિયાન આરોપીઓ હાજર મળી આવ્યા ન હતા. ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર ડી.ડી.ચુડાસમાના નેતૃત્વમાં 16 પોલીસકર્મીઓની ટીમે આ કામગીરી અંજામ આપી હતી.