ખંભાળિયા નજીક ખાનગી કંપનીમાંથી કોપર વાયરની ચોરી
ખંભાળિયા - જામનગર માર્ગ પર કાઠી દેવળીયા ગામે આવેલી નયારા કંપનીમાં આવેલા પી.પી. પ્લાન્ટમાં આર.આર. કેબલ લિમિટેડ કંપનીનો આર્થિંગ માટેનો કોપર વાયર ગત તારીખ 1 એપ્રિલના રોજ કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ કંપની કર્મચારી અમૃતલાલ વેલજીભાઈ પટેલ દ્વારા અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ પ્રકરણમાં કુલ રૂૂપિયા 39,300 ની કિંમતનો આશરે 616 મીટર કેબલ (કોપર)ની ચોરી થવા સબબ પોલીસે ગુનો નોંધી, તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.
યુવાનનો મોબાઈલ ચોરાયો
ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આવેલા પાંચવાડી ખાતે રહેતા બાબુભાઈ ખીમજીભાઈ નકુમ નામના 42 વર્ષના યુવાન થોડા દિવસો પૂર્વે એક દુકાનમાં ગાંઠિયાની દુકાનમાં નાસ્તો કરવા ગયા હતા. ત્યાં તેમણે પોતાનો વિવો કંપનીનો મોબાઈલ ફોન ચાર્જિંગમાં રાખ્યો હતો. અહીંથી કોઈ તસ્કર રૂૂપિયા 15,499 ની કિંમતનો ઉપરોક્ત મોબાઈલ ફોન ચોરી કરીને લઈ જતા આ અંગે ખંભાળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.