નસેડીએ દારૂના નશામાં પત્ની અને પુત્રીને તિક્ષણ હથિયારના ઘા ઝીંકયા
ચોટીલાના ત્રંબોડા ગામનો બનાવ; માતા-પુત્રી સારવારમાં
રાજયમા દારૂનુ દુષણ દિવસે ને દિવસે વધી રહયુ છે. ત્યારે પોલીસ દારૂની બદીને ડામવા એડીચોટીનુ જોર લગાવી રહી છે. અને બુટલેગરોને ઝડપી રહી છે. ત્યારે ચોટીલા પંથકમા દેશી દારૂનાં દુષણે માઝા મુકી હોય તેમ અવાર નવાર દેશી દારૂનાં ધંધાર્થીઓ ઝડપાય રહયા છે ત્યારે વધુ એક ઘટનામા ચોટીલાના ત્રંબોડા ગામે નસેડીએ દારૂના નશામાં પત્ની અને પુત્રીને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા. માતા-પુત્રીને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર ચોટીલા તાલુકાના ત્રંબોડા ગામે રહેતી નિતાબેન જકસીભાઇ સાડમીયા (ઉ.વ.35) અને તેની પુત્રી સેજલબેન જકસીભાઇ સાડમીયા (ઉ.વ.13) રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ઘરે હતી. ત્યારે જકસી સાડમીયાએ ઝઘડો કરી તિક્ષણ હથિયાર વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ધવાયેલી માતા-પુત્રીને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરતા ચોટીલા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં જકસી સાડમીયાને સંતાનમાં એ પુત્ર અને ચાર પુત્રી છે. જકસી સાડમીયા માનસિક બિમારીમાં સપડાયો છે. અને દારૂ પીવાની કૂટેવ ધરાવે છે. ગઇકાલે દારૂના નશામાં જકસી સાડમીયાએ પત્ની અને પુત્રીને તિક્ષણ હથિયારના ઘા ઝીંકી દીધા હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે ચોટીલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.