મુન્દ્રામાં તાલુકા વિકાસ અધિકારી પર ગટરનું પાણી ઉડાડી ચપ્પલથી હુમલો કરતાં ફરિયાદ
ગઇકાલે મુંદરા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી ઉપર ઝરપરાના શખ્સે કાળા તીવ્ર વાસવાળા (ગટરનાં) પાણીની પિચકારી ઉડાડી અને ચંપલથી હિચકારો હુમલો કરતાં ચકચાર મચી છે.
આ બનાવ અંગે ટી.ડી.ઓ.એ ફોજદારી ફરિયાદ પણ દાખલ કરાવી છે. આ હિચકારા હુમલાના બનાવ અંગે મુંદરા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી અનિલકુમાર ત્રિવેદીએ મુંદરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ બપોરે તેઓ રાબેતા મુજબ કચેરીમાં હાજર હતા અને બે શખ્સની રજૂઆત સાંભળતા હતા,
ત્યારે ઝરપરાના રતન મંગા ગઢવી આવતાં ફરિયાદીએ તેમને કહ્યું, આવો રતનભાઇ, બોલો શું કામ છે ? આથી રતનભાઇએ કહ્યું, મારાં કામનું શું થયું ? આથી તેમણે કહ્યું કે, તમારી અરજીના અનુસંધાને અમારી ઓફિસ તરફથી ઝરપરા ગ્રામ પંચાયતને લેખિતમાં સૂચના અપાઈ છે.
આપ ઝરપરા ગ્રામ પંચાયતમાં રૂૂબરૂૂ મળી લો, તેમ કહેતાં જ તે એકદમ ઉશ્કેરાઇ જેમ-તેમ બોલવા લાગ્યા અને થેલીમાંથી પ્લાસ્ટિકની પિચકારી કાઢી કાળું તીવ્ર વાસવાળું પ્રવાહી ફરિયાદી ઉપર છાંટી દેતાં અન્ય અરજદાર વચ્ચે પડી તેને રોક્યા હતા અને સમજાવતા હતા તેવામાં થેલામાંથી ચંપલ (સેન્ડલ) કાઢી છૂટો ઘા કરી ફરિયાદીની છાતી પર માર્યા હતા. તીવ્ર વાસવાળું પ્રવાહી આંખમાં તથા ચહેરા પર પડતાં બળતરા થતાં ફરિયાદીએ બૂમાબૂમ કરતાં સ્ટાફના માણસો ચેમ્બરમાં દોડી આવ્યા હતા અને વધુ ઇજાથી રોક્યા હતા. આરોપીએ જતાં-જતાં કહ્યું, ફરિવાર આવીશ અને છરી વડે જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી નીકળી ગયો હતો.
આ રતન ગઢવીએ અગાઉ અરજી કરી હોવાથી રજૂઆત કરવા ફરિયાદીને રૂૂબરૂૂ મળ્યા હોવાથી તેઓ તથા સ્ટાફ તેને ઓળખે છે. આમ, સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ સહિતની વિવિધ કલમ તળે મુંદરા પોલીસે ફરિયાદ નોંધી હતી. આરોપીની અટક થઈ ગઈ હોવાનું પીઆઈ આર.જે. ઠુમ્મરે જણાવ્યું હતું.
