તરઘડી હાઇવે ઉપરના આત્મનમ નેચરક્યોર બિલ્ડિંગમાં આપઘાત કરનાર મહિલાના પતિ અને સાસુ સામે ફરિયાદ
ફિઝિયોથેરાપિસ્ટ પતિએ ચારિત્ર બાબતે શંકા કરી સગર્ભા પત્ની સાથે ઝઘડો કરતા ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો
રાજકોટ જામનગર હાઇવે ઉપર પડધરીના તરઘડીમાં આત્મનમ નેચરક્યોર બિલ્ડિંગના નોકરી કરતા યુવાનની સગર્ભા પત્નીના આપઘાત મામલે તેના પતિ અને સાસુ સામે પડધરી પોલીસમાં ગુનો નોંધાયો છે.
ફિઝિયોથેરાપિસ્ટ તરીકે નોકરી કરતા યુવકે તેની પત્નીના ચારિત્ર બાબતે શંકા કરી ફોન ચેક કરવાની માગણી કરતાં તે વાતનું માઠું લાગી આવતા મહિલાએ બિલ્ડિંગના 10મા માળે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.
પોલીસમાંથી પ્રાપ્ત માહિતી મુજબ, પડધરીના તરઘડીમાં આત્મનમ રોયલ વિભાગ પાસે નેચરક્યોર બિલ્ડિંગના 10મા માળે ફ્લેટ નં.અ(503)માં રહેતી પૂજાબેન મનીષભાઈ શમા ર(ઉં.વ.32) નામના પરણીતાએ બે દિવસ પૂર્વે ગત તા 5/7ના રોજ બપોરના બાર વાગ્યા આસપાસ બિલ્ડીંગના 10 માં માળે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેણીનું મોત નીપજ્યું હતું. તેણીએ પેટમાં સાત માસનો ગર્ભ ધારણ કરેલો હતો. બનાવની જાણ થતા મૃતકના પરિવારજનો દિલ્હીથી પડધરી દોડી આવ્યા હતા. અને આ મામલે પૂજાબેનના પિતા દિલ્હીના ગુરુરામદાસ નગરમાં રહેતા લક્ષ્મણ શ્રી રામેશ્વર શર્માએ પોલીસમાં પૂજાના પતિ મનીષ શંભુનાથ શર્મા અને તેની સાસુ મંજુ શર્મા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકના પતિ મનીષ શર્મા તરઘડીમાં આવેલા આત્મનમ નેચરોથેરાપી સેન્ટર ખાતે ફિઝિયોથેરાપિસ્ટ તરીકે નોકરી કરે છે. દંપતી વચ્ચે બે દિવસથી માથાકૂટ થતી હતી. પત્નીના ચારિત્ર પર શંકા કરી ફોન ચેક કરવા માગણી કરી હોય, જે બાબતનું સગર્ભાને માઠું લાગી આવતા તેણીએ આ પગલું ભર્યું હતું. ફરિયાદમાં મૃતકના પિતાએ જમાઈ મનીષ અને સાસુ મંજુ શર્મા અવાર નવાર પુત્રી પૂજાને ત્રાસ આપતા હોય તેમજ ત્રણ માસ પૂર્વે મનીષે પૂજાનું ગળું દબાવી ધક્કો મારી પછાડી દીધી હોવાની વાત પૂજાએ પિતાને કરી હતી. સગર્ભા પૂજાને માવતરના ઘરે જવું હોય છતાં મનીષ મૂકી નહી જતો હોવાનું પણ ફરિયાદ માં જણાવ્યું હતું.