સરધાર ગામે વેપારીએ કાર સળગાવી દીધાની વળતી ફરિયાદ
સરધાર ગામે ગઈ તા. 26ના રોજ ટાયર બાબતે ટાયર અને ઓટો મોબાઈલની દુકાન ધરાવતા વેપારી મયુરભાઈ વસોયા સાથે બોલાચાલી કરી મારકૂટ કરી છરી બતાવી મારવા દોડયાની ઘટના બાદ ભાગી ગયેલાં આરોપી સિકંદર જુમ્માભાઈ સાંધ (ઉ.વ.48) અને તેના પુત્ર અર્શદ (ઉ.વ.23, રહે. બંને આટકોટ)ને આજી ડેમ પોલીસ ઝડપી લીધા હતા.
પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું છે કે બંને આરોપીઓ ગુનો કર્યા બાદ જૂનાગઢ અને ત્યાંથી કોડીનાર જતાં રહ્યા હતાં. કોડીનારથી ભાગી જવાની ફિરાકમાં હતા પરંતુ તે પહેલા જ આજી ડેમ પોલીસે ઝડપી લીધા હતાં. બંને આરોપીઓની ધરપકડ બાદ મુખ્ય આરોપી સિકંદરે પોતાની કાર સળગાવી દેવા અંગે વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે તેને આટકોટમાં ગેરેજ છે. સરધારમાં તેના વેવાઈ અબ્બાસભાઈ સાથે ભાગીદારીમાં ચિકનની દુકાન ચલાવે છે.
ગઈ તા.ર6ના રોજ બંને પુત્રો સાથે રાજકોટમાં નવી કાર જોવા આવી રહ્યા હતા. કાર મિત્ર અનિલ ધ્રાંગાની હતી.સરધાર ગામે ટાયર બદલવા બાબતે માથાકૂટ થતાં વેપારી મયુરે ઉશ્કેરાઈ જઈ ગાળો ભાંડી હતી.જેથી તેના પુત્રએ તેને ધોલધપાટ કરી હતી.એટલું જ નહીં તેને ડરાવવા માટે કારમાંથી છરી કાઢી હતી. તે વખતે મયુરે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેની દુકાને માણસો ભેગા થઈ જતાં તે પુત્ર સાથે ભાગી નજીકમાં આવેલા કબ્રસ્તાન પાસે છુપાઈ ગયા હતા. ત્યાર પછી મયુર, તેના ભાઈ પંકજ અને બે અજાણ્યા શખ્સોએ તેની પોલો કારને ધકકો મારી, દુકાનની સામેની કબ્રસ્તાનની દિવાલ પાસે લઈ ગયા હતા. આ પછી મયુરે તેની કાર કોઈ જવલનશીલ પ્રવાહી છાંટી સળગાવી દીધી હતી.આજી ડેમ પોલીસે આ ફરિયાદના આધારે મયુર, તેના ભાઈ અને બે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે વેપારી ઉપર થયેલા હુમલાના વિરોધમાં ગત રવિવારે સરધાર ગામ સજ્જડ બંધ રહ્યું હતું.