પટણીવાડમાં મકાન પરના હુમલા પ્રકરણમાં 6 આરોપીઓ સામે ફરિયાદ
જામનગર તા 13, જામનગરમાં પટણીવાડ વિસ્તારમાં રહેતા ફારૂૂકભાઈ અબ્દુલકરીમ મુલતાની નામના 52 વર્ષના આધેડના ઘર ઉપર ગઈકાલે રાત્રે પથ્થર મારો અને સોડા બાટલીના ઘા થયા હતા.
ઉપરોક્ત વિસ્તારમાં જ રહેતા દાનિશ ઝવુરભાઈ બેલીમ, રઉફ ગુલામહુસેન બેલિમ, અલમોઇન બેલીમ, અકિલ શેખ, ઇસ્માઇલ ખાટકી, તથા યુસુફ બેલીમ સહિતના છ શખ્સોએ ઘર પાસે ધસી આવી પથ્થરમારો કર્યો હતો, અને સોડા બોટલના ઘા કર્યા હતા. જેમાં ફરિયાદી ફારૂૂકભાઈ મુલતાનીને ઇજા થઈ હોવાથી જામનગરની સરકારની જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે. ઉપરોક્ત હુમલાખોરો દ્વારા જ્યારે ઘર ઉપર હુમલો કરાયો હતો, ત્યારે તેંઓને ભગાવવા માટે પોતાના ઘરમાંથી પણ વળતા ઘા કરાયા હતા, તેમજ તમામ લોકોને ભગાડી દેવા માટે પોતાની જાતે જ મકાનમાં આગ ચાંપી દીધી હતી, ત્યારબાદ તમામ શખ્સો ભાગી છૂટ્યા હતા.
ઉપરોક્ત બનાવ અંગે ફારુકભાઈ મુલતાનીએ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં તમામ છ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીનો કાકાનો દીકરો સોહીલ મોહમ્મદભાઈ ઉપરોક્ત આરોપીઓ સાથે હરતો ફરતો હોવાથી તેઓની સાથે ફરવાની ના પાડતાં તમામ આરોપીઓ ઉસકેરાઈ ગયા હતા, અને આ હુમલો કરીને હંગામો મચાવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું.
જે બનાવ બાદ સીટી એ ડિવિઝનના પીઆઇ એને ચાવડા તથા અન્ય પોલીસ ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને કોમ્બિંગ હાથ ધરીને હુમલાખોર તમામ છ આરોપીઓ ને અટકાયતમાં લઈ લીધા છે, અને તેઓની ઘનિષ્ઠ પૂછ પરછ ચલાવવામાં આવી રહી છે.
પટણી વાડ વિસ્તારમાં રહેતા ફારુકભાઈ નામના 52 વર્ષના આધેડ, કે જેઓ ગઈકાલે રાત્રે પોતાના ઘેર હતા તે દરમિયાન 6 જેટલા શખ્સો દ્વારા મકાન પર હુમલો કરાયો હતો જે સમગ્ર ઘટના આસપાસના વિસ્તારના મકાનમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, અને તે વિડિયો સમગ્ર દિવસ દરમિયાન વાયરલ થયો હતો.