ભાવનગરમાં નિવૃત્ત ASIના પત્નીની પુત્ર વિરુદ્ધ ફરિયાદ
ભાવનગરમાં પારિવારિક સંબંધોને શર્મસાર કરતી એક સનસનીખેજ ઘટના સામે આવી છે, જ્યાં ગુજરાત પોલીસમાંથી નિવૃત્ત થયેલા એક આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (અજઈં)ના 69 વર્ષીય પત્નીએ પોતાના જ સગા દીકરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પુત્રએ પિતાની આજીવન કમાણીથી બનેલું કરોડોનું મકાન બળજબરીથી પોતાના નામે કરાવવા માટે માતા-પિતાને માર મારી, મકાનનો કબજો લઈ અને તેના અસલ દસ્તાવેજોની ચોરી કરી હોવાનો ગંભીર આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ બનાવ ની વિગત એવી છે કે ફરિયાદી ગંગાબેન દેવજીભાઈ સોલંકી (ઉ.વ. 69) મૂળ મીરાનગર, ભાવનગરના રહેવાસી છે.
તેમના પતિ દેવજીભાઈ સોલંકી ગુજરાત પોલીસમાં એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા હતા અને પંદરેક વર્ષ પહેલાં નિવૃત્ત થયા હતા. તેમણે નિવૃત્તિ બાદ પોતાની કમાણીમાંથી સિદસર-ચિત્રા રોડ પર મીરાનગરમાં પ્લોટ નં. 69-બી પર આશરે 232 ચોરસ વાર નો પ્લોટ ખરીદી મકાન બનાવ્યું હતું , જેનો દસ્તાવેજ પતિના નામે છે.ફરિયાદ અનુસાર, છેલ્લા બે વર્ષથી પતિ દેવજીભાઈને પેરાલિસિસની બીમારી હોવાથી તેઓ બીમાર રહે છે. આ નબળાઈનો લાભ લઈ, તેમનો દીકરો ધીરજ દેવજીભાઈ સોલંકી (ઉ.વ. 50), જે અલગ રહે છે, તે અવારનવાર ઘરે આવતો અને માતા-પિતાને ગાળો આપી ઢીકા-પાટુનો માર મારતો હતો, જેથી તેઓ મકાન ખાલી કરી દસ્તાવેજ પોતાના નામે કરી આપે.
પુત્રના અસહ્ય ત્રાસથી કંટાળી ગંગાબેન અને તેમના પતિએ છ મહિના પહેલાં મકાનનો અસલ દસ્તાવેજ લોકરમાં સંતાડી, મકાનને તાળું મારી દીકરી નિર્મળાબેનના ઘરે ઉમરાળા રહેવા ચાલ્યા ગયા હતા.
પરંતુ, ગત 18 નવેમ્બરના રોજ સવારના અગિયાર વાગ્યે ગંગાબેન પોતાની દીકરી પારૂૂલબેન સાથે ઘરે ચીજ-વસ્તુ લેવા માટે ગયા ત્યારે તેમણે જોયું કે, દીકરા ધીરજે મકાનના મેઇન ગેટનું તાળું તોડી નાખ્યું હતું અને તે પોતે જ મકાનમાં રહેવા લાગ્યો હતો.
જ્યારે ગંગાબેને ઘરમાં જઈ કબાટનું લોકર તપાસ્યું, તો લોક પણ તૂટેલું હતું અને અંદાજે રૂૂ.20 લાખની કિંમતના મકાનનો અસલ દસ્તાવેજ તેમાંથી ગુમ હતો. ગંગાબેને દીકરા ધીરજને દસ્તાવેજ બાબતે પૂછતાં તેણે ઉદ્ધતતાથી જવાબ આપ્યો કે, "આ દસ્તાવેજ મેં લીધેલ છે અને આ મકાન મારા નામે કરવાનું છે. તું ડોશી અહીંથી જતી રહે, નહીંતર તને જીવતી નહીં રહેવા દઉં " તેમ કહી ગાળો આપી, ઢીકા-પાટુનો માર મારી માતા અને બહેનને ઘરમાંથી કાઢી મૂક્યા હતા.પતિ દેવજીભાઈએ પણ ફરિયાદમાં ઉમેર્યું હતું કે ધીરજ અગાઉ પણ બે-ત્રણ વાર બળજબરીથી દસ્તાવેજ પોતાના નામે કરાવવા માટે તેમને મામલતદાર ઓફિસમાં લઈ ગયો હતો.
પુત્ર હોવાથી ગંગાબેને ઘરમેળે સમાધાનની આશા રાખી હતી, પરંતુ આજદિન સુધી દસ્તાવેજ પરત ન મળતા આખરે તેમણે કાયદાનો સહારો લીધો હતો અને વરતેજ પોલીસ સ્ટેશનમાં પોતાના પુત્ર વિરોધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.