ગાંધીનગરમાં ગરબામાં કોમી અથડામણ; વાહનો-દૂકાનોમાં તોડફોડ-આગચંપી
ચાલુ ગરબામાં પથ્થરમારો થતાં નાસભાગ, બેકાબુ ટોળાએ પોલીસના 6 વાહનો અડફેટે લેતા પોલીસે છોડેલો ટિયરગેસ
સોશિયલ મીડિયામાં સ્ટેટસ મુકવાનો મામલો સળગ્યો, મોડીરાત્રે સ્ફોટક સ્થિતિ સર્જાતા સજજડ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
તોફાનીઓને શોધવા માટે રાતભર સઘન કોમ્બીંગ, 60 શખ્સોને રાઉન્ડઅપ કરાયા
નવરાત્રિના પાવન પર્વ વચ્ચે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામે મોડી રાત્રે બે કોમ વચ્ચે હિંસક અથડામણ થતાં ભારે તંગદિલી સર્જાઈ છે. સોશિયલ મીડિયા પર સ્ટેટ્સ મૂકવા જેવી નજીવી બાબતે થયેલી બબાલ એટલી ઉગ્ર બની કે પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. ટોળાએ ચાર જેટલી દુકાનોમાં આગ ચાંપી દઈ તેમજ 25 વાહનોમાં તોડફોડ કરી હતી. જેના પગલે રાત્રે પોલીસનો કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો. પોલીસે ટોળાને કાબુમાં લેવા 5 ટિયર ગેસ છોડ્યા હતા. બનાવ બાદ બહિયલમાં બહિયલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે એસઆરપીની ટુકડી પણ તૈનાત કરવામાં આવી છે.
પાટનગર ગાંધીનગરના દહેગામના બહિયલમાં નવરાત્રિના તહેવારમાં મોડી રાત્રે બે કોમ વચ્ચે હિંસક અથડામણને કારણે ગામમાં ભય અને તણાવનો માહોલ ફેલાયો છે. આ ઘટના સોશિયલ મીડિયા પર જય મહાદેવ અને આઇ લવ મહોંમદ જેવી પોસ્ટને લઇને વિવાદ થયો હતો.
એક યુવાને આઇ લવ મોહંમદ પોસ્ટ સામે જય મહાદેવ પોસ્ટ કરી તેમાં વિવાદ થયો હતો. ગામમાં ચાલી રહેલા ગરબામાં પથ્થરમારો થતા ખેલૈયાઓમાં નાસભાગ મચી હતી. ગરબા સ્થળે 3 બાજુએથી પથ્થરમારો થયો હતો અને 25 જેટલી ગાડીઓના કાચ તૂટયા હતા. આ પથ્થરમારામાં મહિલા સહીતનાઓને ઇજા પહોંચી હતી. પોલીસ જ્યારે સ્થિતિને કાબૂમાં લેવા ગઈ ત્યારે પોલીસ પર જ પથ્થરમારો કરી દેવામાં આવ્યો હતો અને 6 જેટલા પોલીસ વાહનોના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા.
દરમિયાન ટોળાને કાબૂમાં લેવા પોલીસે 5 ટિયર ગેસ છોડ્યા હતા. પોલીસે સવારે ચાર વાગ્યા સુધી કોમ્બિંગ હાથ ધર્યું હતું. અને આ મામલે 60 જેટલા શખસોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. અને મળતી માહિતી મુજબ, દહેગામના બહિયલમાં મોડી રાત્રે બે કોમ વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ છે. હિંસક ટોળાએ ગામમાં આતંક મચાવ્યો છે. આઠથી વધુ વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને એક દુકાનમાં તોડફોડ કરી આગ ચાંપવામાં આવી છે.
પરિસ્થિતિને કાબૂમાં લેવા ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ પર પણ હુમલો થયો છે .જેમાં તેમના બે વાહનોને નુકસાન થયું છે. નજીવી બાબતે શરૂૂ થયેલી બબાલ બાદ ટોળું હિંસક બન્યું હતું. આ ટોળાએ ગામમાં ચાલી રહેલા ગરબા પર અચાનક પથ્થરમારો શરૂૂ કરી દીધો હતો, જેને કારણે ખેલૈયાઓમાં નાસભાગ મચી ગઈ હતી. હિંસક બનેલા ટોળાએ ગામમાં તોડફોડ પણ કરી હતી. તેમણે આઠથી વધુ વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું.
આ ઉપરાંત, એક દુકાનમાં પણ તોડફોડ કરીને તેને આગ ચાંપી દીધી હતી.
દહેગામના બહિયલ ગામે બનેલી આ ઘટનામાં સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર જ્યારે ગામમાં ગરબા ચાલતા હતા ત્યારે ગરબાની બાજુના એક વિસ્તારમાંથી ચાલુ ગરબાએ પથ્થરમારો થયો હતો અને એક ટોળું આવ્યું હતું જેણે પથ્થરમારો કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર ગરબા સ્થળે 3 બાજુએથી પથ્થરમારો થયો હતો અને 25 જેટલી ગાડીઓના કાચ તૂટયા હતા.
પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે તાત્કાલિક પોલીસનો કાફલો બહિયલ ગામ પહોંચ્યો હતો. જોકે, હિંસક ટોળાએ પોલીસની ટીમ પર પણ હુમલો કર્યો હતો અને પોલીસના 6 વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ઘટનાની ગંભીરતાને જોતાં સમગ્ર ગામમાં હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. પોલીસે અત્યાર સુધીમાં 50 જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા છે. પોલીસે સ્થાનિકોને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે.
એસઆરપીની બે કંપની, 300થી વધુ પોલીસનો કાફલો ખડકાયો
બહિયલ ગામમાં રાતે બનેલા બનાવ બાદ પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા હતા. આ ઘટના બાદ સમગ્ર ગામમાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને હાલમાં ગામમાં શાંતિ જળવાઈ રહે તેવા પગલાં લેવાઈ રહ્યા છે. આ હિંસક ઘટનામાં જાનહાનિની કોઈ ઘટના હાલના તબક્કે સામે આવી નથી, પરંતુ વાતાવરણ તંગ છે. પોલીસે આ મામલે આરોપીઓને પકડવાની કામગીરી શરૂૂ કરી છે. આ અથડામણમાં કેટલાક લોકોને ઇજા પણ થઈ છે.સ્થાનિકોએ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે. ત્યારે પોલીસ દ્વારા શાંતિ જાળવવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે. મોડી રાત્રે સ્થિતિને કાબૂમાં લેવા પાંચેક જેટલા ટિયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. હાલમાં એસઆરપીની બે કંપની ઉપરાંત 300થી વધુ પોલીસનો કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો છે અને કોમ્બિંગ ચાલુ છે. હાલમાં સ્થિતિ કાબૂમાં છે.