કોલેજના ઇન્ચાર્જ આચાર્યને 8 કલાક ગોંધી રાખ્યા
સુરતની આર્ટસ કોલેજમાંABVPની ધમાલ, મામલો પોલીસ સુધી પહોંચ્યો
MTB આર્ટ્સ કોલેજમાં ઇઅના પહેલા વર્ષના પ્રવેશમાં 135 સીટ સામે 8 હજાર ઓફર લેટર અપાતાં વિરોધ કરવાABVPએ કોલેજને જાણે બાનમાં લીધી હતી, જેમાં ઈન્ચાર્જ આચાર્ય ડો. રૂૂદ્રેશ વ્યાસને ઓફિસનો દરવાજો બંધ કરીને 8 કલાક ગોંધી રખાયા હતા. ડો. વ્યાસે ઉમરા પોલીસમાં એબીવીપીના મહાનગર મંત્રી સહિત 9 કાર્યકરો સામે અરજી કરી છે. કાર્યકરોએ ધમકી અને ગાળો આપી હુમલાનો પ્રયાસ પણ કર્યો હોવાનું ડો. વ્યાસે અરજીમાં લખાવ્યુંં છે. કાર્યકરોએ રાજકીય દબાણ બતાવી તેમને પદ પરથી હટાવી દેવાની ધમકી પણ આપી હતી. જો કે, ત્યાર બાદ મેનેજમેન્ટે આચાર્યને પદ પરથી હટાવી દેવાયા હતા.
ડો. વ્યાસે અરજીમાં જણાવ્યું છે કે,ABVPના વિદ્યાર્થીઓએ ઓફિસમાં ઘૂસીને કહ્યું કે તુંABVPના મંત્રીને ઓળખતો નથી. શહેરની 147 કોલેજોમાંના કોઈ આચાર્ય મને આવું કહી શકતા નથી. તું મને અંદર આવતા અટકાવનારો કોણ છે? હું પરિષદમાં મહાનગર મંત્રી છું. તારાથી થાય તે કરી લે. તને ખુરશી પરથી ઉતારીને જ રહીશ. તારે તારા આકાઓને ફોન કરવો હોય તો કર. તારા જેવા કેટલાય આચાર્યને પૂરા કરી દીધા છે. તું પણ હવે ગયો. તારે 8000 વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને પૈસા બનાવવા છે.
ડો. રૂૂદ્રેશ વ્યાસે પોલીસ અરજીમાં જણાવ્યું હતું કે, કાર્યકરોએ અપમાનજનક વર્તન કરી, ખરાબ ભાષાપ્રયોગ કરતાં તેમને ભારે અપમાન સહન કરવું પડ્યું હતું. તેમણે દવા લેવાની હોવાથી પાણી પીવું હોય તેમાં પણ તેમને રોકવામાં આવ્યા હતા.
દરવાજો બંધ કરીને 8 કલાક સુધી ગોંધી દેવાયા હતા. ફોન કોલ કે યુનિવર્સિટીની સૂચનાઓનો જવાબ સુદ્ધા આપવા દીધો ન હતો. કાર્યકરોએ વિદ્યાર્થીઓના પ્રવેશ માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર શરૂૂ કર્યા હતા. ઓફર લેટર ઉધરાવ્યા અને ટોળાં દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. લગભગ રાત્રે 9 વાગ્યા સુધી ડો. વ્યાસને કેદ જેવી સ્થિતિમાં રાખ્યા હતા.
જ્યારે કાર્યકરોને બીજા દિવસે યુનિવર્સિટી ખાતે બોલાવવામાં આવ્યા ત્યારે પણ તેમણે ગાળ-ગુસ્સો ચાલુ રાખ્યો હતો. કુલપતિની ઓફિસમાં ખુરશી ઉઠાવીને ફેંકવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન પોલીસે ડો. વ્યાસને બચાવી સુરક્ષાપૂર્વક ઘરે પહોંચાડ્યા હતા. છેલ્લે તેમને સાંજે કોલેજના ઇન્ચાર્જ પદ પરથી હટાવવાના મેસેજ મળ્યા હતા.