ધો.1ના છાત્ર સાથે ચપલ મુદ્દે ઝઘડો કરી સહપાઠીએ છાતીમાં ઘુસ્તો માર્યો
રાજકોટના વડવાજડી પ્રાથમિક શાળાની ઘટના; 7 વર્ષના બાળકને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયો
રાજકોટ નજીક આવેલા વડવાજડી ગામે રહેતા અને પ્રાથમિક શાળામાં ધો.1માં અભ્યાસ કરતાં સાત વર્ષના બાળકને ચંપલ મુદ્દે સહપાઠી સાથે ઝઘડો થયો હતો. જેથી સહપાઠીએ છાતીમાં ઘુસ્તો માર્યો હતો. બાળકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટ તાલુકાના વડવાજડી ગામે રહેતાં અને પ્રાથમિક શાળામાં ધો.1માં અભ્યાસ કરતાં ભાર્ગવ ઈશીતભાઈ બાબરીયા નામનો સાત વર્ષનો વિદ્યાર્થી શાળામાં હતો ત્યારે અન્ય વિદ્યાર્થીઓ સાથે રમતા રમતા છાતીના ભાગે ઈજા પહોંચી હતી. બાળકને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.
આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે મેટોડા પોલીસને જાણ કરતાં મેટોડા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં ભાર્ગવ બાબરીયા વડવાજડી પ્રાથમિક શાળામાં ધો.1માં અભ્યાસ કરે છે અને સ્કૂલમાં હતો ત્યારે સહપાઠીએ ભાર્ગવ બાબરીયાના ચંપલ પહેરી લીધા હતાં. જે મુદ્દે થયેલા બાળ ઝઘડામાં સહપાઠીએ ભાર્ગવ બાબરીયાને છાતીમાં ઘુસ્તો મારી દેતાં ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મેટોડા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.