કલ્યાણપુરમાં પવનચક્કીની કામગીરી દરમિયાન સ્થાનિક શખ્સ દ્વારા ઝપાઝપી
ખંભાળિયામાં રામનગર વિસ્તારમાં રહેતા અને પવનચક્કી કંપનીમાં કામ કરતા દેવાણંદભાઈ આલાભાઈ સુવા નામના 63 વર્ષના વૃદ્ધ તથા અન્ય કર્મચારીઓ શનિવારે કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે વિન્ડ સોલ એન્જિનિયરિંગ કંપનીના પવનચક્કીના ટાવરની ચાલી રહેલી કામગીરી દરમિયાન આ સ્થળે હતા, ત્યારે નંદાણા ગામનો મેરામણ જેઠાભાઈ વારોતરીયા નામનો શખ્સ અહીં ધસી આવ્યો હતો.
અહીં રહેલા ફરિયાદી દેવાણંદભાઈ સુવાને તેણે બિભત્સ ગાળો કાઢી, ઝપાઝપી કરી હતી. આટલું જ નહીં, આરોપીએ દેવાણંદભાઈને ફડાકા ઝીંકીને ઢીકાપાટુનો મૂઢમાર મારી, હવે પછી જો તેઓ આ સાઈટ પર કામ ચાલુ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાની ધોરણસર ફરિયાદ કલ્યાણપુર પોલીસમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ મેરામણ જેઠાભાઈ વારોતરીયા સામે ગુનો નોંધ્યો છે.
જુગાર
ઓખાના ગાંધીનગરી વિસ્તારમાં એલ.સી.બી. પોલીસે કરેલી કાર્યવાહીમાં એ.એસ.આઈ. સજુભા જાડેજા, ડાડુભાઈ જોગલ, જગદીશભાઈ કરમુર અને પ્રવીણભાઈ માડમની બાતમી પરથી પોલીસે જુગાર દરોડો પાડ્યો હતો. અહીં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ઈશા મુસા ચૌહાણ, મજીદ ઉમર મોખા, રફીક ઉમર ચાંગડા, આદમ સુલેમાન સંઘાર, જાવેદ જુસબ થૈયમ અને ફિરોજ જુસબ સુમણીયા નામના છ શખ્સોને બે મોબાઈલ સહિત કુલ રૂૂપિયા 19,100 ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લઇ, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.