ચામુંડા નગરમાં કાર સળગાવી દેવાનો ખર્ચ વસુલવા મામલે બે જૂથ વચ્ચે ધિંગાણુ
રાજકોટ શહેરનાં ચંદ્રેશ નગર નજીક આવેલા ચામુંડા નગરમા વાહન સળગાવી દેવા અંગેનો ખર્ચ વસુલવા મામલે બે જુથ વચ્ચે મારામારી થઇ હતી . આ મામલે હુલ્લડ અને રાયોટીંગ સહીતની કલમ હેઠળ 8 શખ્સો વિરુધ્ધ ગુનો નોંધવામા આવ્યો છે. ચંદ્રેશ નગર ચોક પાસે ન્યુ અમરજીત નગર શેરી નં 7 મા રહેતા હાર્દીક હીરાભાઇ સભાડની ફરીયાદ પરથી અનીકેત, અનીકેતનાં મામાનો દીકરો, યશ , અનીકેતનાં માતા , અનીકેતની બહેન, અનીકેતનાં પિતા અને બે અજાણ્યા શખ્સો વિરુધ્ધ ફરીયાદ નોંધવામા આવી છે.
હાર્દીકભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે પોતે છુટક મજુરી કામ કરે છે. આશરે વિશેક દીવસ પહેલા હાર્દીકે અનીકેતની ગાડી સળગાવી દીધી હોય જે માટેનો ખર્ચ અનીકેતને આપ્યો ન હોય અને તેમણે આ ગાડી સળગાવી દેવા મામલે ફરીયાદ કરવી હોય જે ગાડી સળગાવી દેવાનો ખાર રાખી અનીકેત અને તેમનાં પરીવારે ગઇકાલે છરી વડે હુમલો કર્યો હતો.
અને આ મારામારીમા અનીકેતની બહેને હાર્દીકને સીમેન્ટનાં બ્લોક વડે છાતીનાં ભાગે અને મોઢા પર ઇજા પહોંચાડી હતી . આ ઘટનામા માલવીયા નગર પોલીસનાં સ્ટાફે આરોપીઓ સામે રાયોટીંગ, ગેરકાયદેસર મંડળી રચવી અને હુલ્લડ અંગેની કલમ હેઠળ ફરીયાદ નોંધી છે. જયારે સામા પક્ષે ચામુંડા નગર શેરી નં 1 મા રહેતા અનીકેત મનોજભાઇ રાઠોડ (ઉ. વ. ર6 ) એ પોતાની ફરીયાદમા હાર્દીક સભાડ અને સોનુ ભૈયાજી સામે ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમા તેમણે જણાવ્યુ હતુ કે પોતે બાળકોની ચકરડી ચલાવી મજુરી કામ કરે છે. અનીકેતે અગાઉ મિત્રની વર્ના કાર ભાડેથી લાવી પોતાનાં ઘર પાસે પાર્ક કરી હોય આ બનાવમા આરોપી હાર્દીકે તેમા તોડફોડ કરી સળગાવી નાખી હોય જેનો ખર્ચ માગતા બંને પક્ષ વચ્ચે માથાકુટ થઇ હતી . જેનો ખાર રાખી હાર્દીક અને સોનુએ ગાળો આપી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ જ્ઞાતી પ્રત્યે અપમાનીત કર્યો હતો.