ખંભાળિયામાં હિંદુ-મુસ્લિમ જૂથ વચ્ચે ધિંગાણું
સામસામે સાત શખ્સો સામે પોલીસમાં ફરિયાદ: પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
હાલ રમજાન મહિનો ચાલે છે ફટાકડા ફોડવાનું બંધ કરો કહેતા મામલો બિચકયો
ખંભાળિયામાં દ્વારકા ગેઈટ નજીક આવેલી એક હવેલી પાસે સોમવારે રાત્રે ફટાકડા ફોડવા બાબતે હિન્દુ તથા મુસ્લિમ યુવાનોના બે જૂથો વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. જેમાં સામસામા પક્ષે કુલ સાત સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયામાં દ્વારકા ગેઈટ નજીક પઠાણ પાડો વિસ્તારમાં આવેલી શ્રીનાથજીની હવેલી ખાતે રહેતા વિપુલભાઈ જયેન્દ્રભાઈ ઠાકર નામના 42 વર્ષના વિપ્ર યુવાનની હવેલીમાં ગત તારીખ 20 ફેબ્રુઆરીના રોજ પાટોત્સવ દર્શન યોજવામાં આવ્યા હતા. જેમાં ફટાકડા ફોડાયા હતા. આ દરમિયાન વધેલા થોડા ફટાકડા સાચવીને રાખી દેવામાં આવ્યા હતા. જે રવિવારે રાત્રિના આશરે સવા દશેક વાગ્યે વિપુલભાઈનો ભત્રીજો કેવીન જસ્મીનભાઈ ઠાકર હવેલીના ચોકમાં આ ફટાકડા ફોડતો હતો.
આ દરમિયાન હવેલીની પાછળના ભાગે રહેતો મકસુદ, મોઈન અને તોસીફ નામના ત્રણ શખ્સો હાથમાં ધોકા લઈને હવેલી ચોકમાં આવ્યા હતા અને આ શખ્સોએ કેવીન તથા વિપુલભાઈને બીભત્સ ગાળો કાઢી હતી અને કહ્યું હતું કે હાલ રમજાન મહિનો ચાલે છે ફટાકડા ફોડવાનું બંધ કરો. તેમ કહી અને હવેલીને તાળું મારવાનું કહ્યું હતું.
આ પછી અહીં આવેલા ફુલકાંદ નામના શખ્સએ તેના હાથમાં રહેલા ધોકા જેવા હથિયારો વડે કેવીન તથા વિપુલભાઈ ઉપર હુમલો કર્યો હતો. જેમાં વિપુલભાઈને ફ્રેકચર સહિતની ઈજાઓ થવા પામી હતી. આ બનાવ અંગે વિપુલભાઈ ઠાકરની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે મકસુદ, મોઈન, તોશીફ અને ફુલકાંદ નામના ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.
આ પ્રકરણમાં સામા પક્ષે શ્રીનાથજીની હવેલી ની બાજુમાં રહેતા મોઈન મકસુદ ભંડેરી (ઉ.વ. 26) એ વિપુલભાઈ, કેવિન અને જસ્મીનભાઈ સામે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવાયા મુજબ રવિવારે રાત્રે 9 વાગ્યે તેઓ અજાન પઢવા ગયા હતા અને અજાન પઢીને રાત્રે 10:15 વાગ્યે પરત આવ્યા હતા. ત્યારે ઘરના ફળિયામાં ઉપરોક્ત ત્રણેય શખ્સો ફટાકડા ફોડતા હોય, અને તેઓએ ત્યાંથી નહીં નીકળવાનું કહી અને ફરિયાદી મોઈનના પિતાને કહેલ કે અમે ફટાકડા ફોડીએ છીએ તેમાં તમે લોકો કેમ વચ્ચે આવો છો?- તેમ કહી બીભત્સ ગાળો કાઢી, મકસુદભાઈ તેમજ મોઈનને બેફામ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવમાં ખંભાળિયા પોલીસે મોઈન ભંડેરીની ફરિયાદ પરથી ત્રણ શખ્સો સામે ગુનો નોંધી હતો. આ બનાવ બનતા અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ તેમજ સ્ટાફ તાકીદે આ સ્થળે દોડી ગયો હતો અને જરૂૂરી વ્યવસ્થા તેમજ પૂછપરછ અને તપાસ હાથ ધરી હતી.