ચાંદની નોનવેજ હોટલમાં બઘડાટી, પાર્સલ લેવા ગયેલા યુવાન ઉપર હુમલો
વેઈટિંગમાં બેસવાનું કહેતા ગાળો ભાંડી હોબાળો મચાવ્યાનો આક્ષેપ : સામ સામે ફરિયાદ
શહેરની ભાગોળે માલીયાસણ પાસે આવેલી ચાંદની નોનવેજ હોટલમાં પાર્સલ લેવા મુદ્દે હોટલના કર્મચારીઓએ યુવાન ઉપર હુમલો કરી માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે જમવા આવેલા ત્રણેય યુવકોને વેઈટીંગમાં બેસવાનું કહેતાં બીભત્સ ગાળો ભાંડી હોબાળો મચાવ્યો હોવાનો હોટલના મેનેજર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે બન્ને પક્ષે સામસામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ચોટીલામાં થાન રોડ પર રહેતા નરેન્દ્ર ભીખુભાઈ ખવડ (ઉ.38) તેના મિત્ર રાજુભાઈ રણછોડભાઈ કાલોદરા (રહે.કુંભારા, તા.ચોટીલા) અને અનિલભાઈ અણદાભાઈ સુરેલા (રહે. પાંજવાળી, તા.ચોટીલા) કાર લઈને રાજકોટથી ચોટીલા જઈ રહ્યા હતાં ત્યારે માલીયાસણ પાસે આવેલી ચાંદની નોનવેટ હોટલમાં પાર્સલ લેવા માટે ઉભા રહ્યા હતાં.
જ્યાં દાદુભાઈ નામનાં શખ્સને પાર્સલમાં ઉતાવડ રાખવાનું કહેતા દાદુભાઈએ બીભત્સ ગાળો ભાંડી એટલામાં હોટલમાં કામ કરતાં અન્ય માણસો ભેગા થઈ ગયા હતાં અને તાવીથા અને ઢીકા પાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા નરેન્દ્રભાઈ ખવડને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત નરેન્દ્રભાઈ ખવડે હુમલાખોર સુલેમાન ઉર્ફે દાદુ જુણેજા સહિતના હોટલના કર્મચારીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે વળતી ફરિયાદમાં ચાંદની રેસ્ટોરન્ટમાં મેનેજર તરીકે ફરજ બજાવતાં ઈમરાનભાઈ ઈસ્માઈલભાઈ પઠાણ નોંધાવેલી ફરિયાદમાં નોંધાવ્યું હતું કે, નરેન્દ્ર ખવડ સહિતના ત્રણ લોકો જમવા માટે આવ્યા હતાં. જ્યારે ત્રણેય વ્યક્તિને વેઈટીંગમાં બેસવાનું અને ટોકન લેવાનું કહેતાં અમારે ટોકન લેવાના ન હોય અમે વેઈટીંગ ન કરીએ તેવું કહી ગાળા ગાળી કરી હોબાળો મચાવી બે શખ્સોએ છરી કાઢી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. કુવાડવા રોડ પોલીસે ફરિયાદનાં આધારે વધુ તપાસ હાથ ધરી છે.