પોલીસ પુત્રો વચ્ચે બઘડાટી, 7 સેક્ધડમાં 11 ફડાકા, છરીના બે ઘા ઝીંક્યા
વિષ્ણુવિહાર સોસાયટીમાં મોડી રાત્રે બનાવ: ડોગ સ્કવોડમાં ફરજ બજાવતા પોલીસમેનના પુત્રે બે પોલીસપુત્રોને નાણાં ઉછીના આપ્યા હતા
રાજકોટ શહેરમાં રોજબરોજ લુખ્ખા શખ્સોની મારામારી ના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે ત્યારે હવે રાજકોટ શહેરમાં પોલીસ પુત્રો વચ્ચે પૈસાની ઉઘરાણીમાં સરાજાહેર મારામારી થઈ હતી જેમાં ફરિયાદી પોલીસ પુત્રને ત્રણ આરોપી પોલીસ પુત્રોએ માત્ર સાત સેક્ધડમાં 11 ફડાકા મારી અને છરીના બે ઘા ઝીંકી હુમલો કર્યાનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે.
મળતી વિગતો અનુસાર,પોલીસ હેડ ક્વાર્ટરમાં એએસઆઈ બિલ્ડીંગમાં રહેતાં જન્મજયસિંહ જયપાલસિંહ ઝાલાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અયાન આરીફ લંજા, યશુ પ્રવિણ દવેરા અને શાહરૂૂખનું નામ આપતાં યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.જન્મજયસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી.કોમ.માં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે.ગઈકાલે સાંજના સાતેક વાગ્યે તે તેમના મિત્ર હર્ષિતસિંહ ચુડાસમા સાથે બાઇકમાં ઘરેથી વિષ્ણુવિહાર સોસાયટી સામે આવેલ સેવક પાન-ફાકીની દુકાને બેસવા ગયેલ હતા. જ્યાં અન્ય મિત્ર રોહિતભાઇ ડાભી સાથે ત્રણેય મિત્રો બેઠા હતાં.
તે વખતે તેમના ઓળખીતા મિત્રો અયાન આરીફ લંજા,યશ પ્રવીણ દવેરા અને શાહરૂૂખ ત્યાં દશેક વાગ્યાની આસપાસ ધસી આવેલ હતાં.પંદર દિવસ પહેલા મિત્ર અયાન લંજાને રૂૂ.1.15 લાખ આપેલ હતા.જેમાંથી રૂૂ.40 હજાર પરત આપી દિધેલ અને રૂૂ.75 હજાર લેવાના બાકી હોય જેથી તેને પૈસા આપી દેવાનું કહેતાં તે ગાળો દેવા લાગેલ અને તેની સાથે આવેલ યશુ દવેરા ઢિકાપાટુનો માર મારવા લાગેલ હતો.દરમિયાન અયાને પોતાની પાસે રહેલ છરી વડે ઘા ઝીંકી મને કહેલ કે, આજ તો તને જાનથી મારી નાખવો છે. તેમજ શાહરૂૂખએ પણ ગાળો આપી ઢિકાપાટુનો મારમારવા લાગતાં લોકો દોડી આવ્યા હતાં અને ત્રણેય શખ્સો નાસી છૂટ્યા હતાં.
બાદમાં લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે,આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે અને તેમાં ફરિયાદી જન્મજયસિંહને આરોપીઓ દ્વારા 7 સેકેન્ડમાં 11 વખત ફડાકા ઝીંકે છે બાદમાં બે છરીના ઘા પણ ઝીંકતા દેખાય છે.આ ઘટના સમયે ત્યાં આજુ બાજુના લોકો તમાશો જોઈ રહ્યા છે.
આરોપી અયાન અને યશના પિતા હેડક્વાર્ટરમાં નોકરી કરે છે
પોલીસ તાપસમાં જાણવા મળ્યું હતું કે,ફરિયાદી યુવક જન્મજયસિંહના પિતા રાજકોટ શહેર પોલીસમાં ડોગ સ્ક્વોડ વિભાગમાં ફરજ બજાવે છે. તેમજ આરોપી અયાનના પિતા આરીફભાઈ લંજા હેડ ક્વાર્ટરમાં હેડ કોન્સ્ટેબલ અને યશુના પિતા પ્રવીણભાઈ દવેરા પણ હેડ ક્વાર્ટરમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતાં હોવાનું સામે આવ્યું છે.