સાવરકુંડલા વેપારી આપઘાત મામલે શહેર ભાજપ ઉપપ્રમુખની ધરપકડ
સ્યુસાઈડ નોટમાં આઠ વ્યાજખોરોના નામ આપવામાં આવેલ
સાવરકુંડલાની મેઈન બજારમાં શ્યામ શ્રદ્ધા સ્વીટ નામની દુકાન ધરાવતા વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં અંતે આજે પોલીસે વેપારીને ઉંચા વ્યાજે રૂૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરી મરવા માટે મજબૂર કરનાર શહેર ભાજપ ઉપ પ્રમુખની પણ ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે, સાવરકુંડલામાં વેપારી અશોકભાઈ ચૌહાણે થોડા દિવસ પહેલા પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનામાં પોલીસને તપાસ દરમિયાન એક સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. જેમાં વેપારીએ આઠ જેટલા વ્યાજખોરોના નામ લખ્યા હતા, જેમના ત્રાસથી કંટાળીને તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. જેના આધારે તેમના પુત્રએ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદમાં સાવરકુંડલા શહેર ભાજપ ઉપપ્રમુખ ભાવેશ વિકમા સહિત કુલ આઠ વ્યાજખોરોના નામ આપવામાં આવ્યા હતા. ચકચારી બનાવમાં પોલીસે પ્રથમ બે વ્યાજખોરોને ઝડપી લીધા બાદ આજે વેપારીને 10 ટકા જેવા ઉંચા વ્યાજે રૂૂ.એક લાખ આપીને પઠાણી ઉઘરાણી કરવા સબબ સાવરકુંડલા શહેર ભાજપના ઉપપ્રમુખ ભાવેશ ગોલણભાઈ વિકમાની પણ ધરપકડ કરી હતી. જ્યારે અન્ય પાંચ આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. નોંધનીય છે કે, વ્યાજખોરીની ફરિયાદ બાદ ઉપપ્રમુખને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાયા હતા.