સુરતમાંથી રૂા.1.80 કરોડની ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો
પાંડેસરા જીઆઇડીસીમાં ફિલામેન્ટ યાર્નના નામે ધમધમતું હતું ચાઇનીઝ દોરીનું કારખાનું
દેશભરમાં સપ્લાય શરૂ થાય તે પહેલાં પોલીસ ત્રાટકી ફિરકી ભરેલાં 1710 કોથળાં મળ્યા
હાલ ઉત્તરાયણ નથી છતાં પોલીસે સુરત શહેરમાંથી પોણાબે કરોડ રૂૂપિયાની ચાઈનીઝ દોરી જપ્ત કરી છે. એલસીબી સ્ક્વોડે થોડાક દિવસો પહેલાં યાર્નના નામે ચાઈનીઝ દોરી બનાવી રહેલી ફેક્ટરી ઝડપી હતી એની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. ફેક્ટરી બાદ હવે ચાઈનીઝ દોરીનું ગોડાઉન અલગ-અલગ રાજ્યોમાં ઘાતક ચાઇનીઝ દોરી મોકલતા ચાઇનીઝ દોરી કેટલી ઘાતક અને જીવલેણ છે એ જાણતા હોવા છતાં સુરત શહેરના પાંડેસરા અને સચિન જીઆઇડીસીમાં એની ફેક્ટરી ઘણા સમયથી ચાલી રહી હતી, જેના પર રેડ કરવામાં આવી હતી. એને ત્યાંથી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે જ્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી ત્યારે ફેક્ટરીની સાથે ગોડાઉન પણ મળ્યું આવ્યું છે. આ ગોડાઉનમાં કુલ 1710 જેટલાં મોટાં બોક્સ મળ્યા હતાં. આ બોક્સની અંદર ફિરકીની સાથે ચાઈનીઝ દોરી મળી હતી. મયૂર પટેલ અને સંજય પટેલ બંને ફેક્ટરી-ગોડાઉન ભાડે લઈ દેશનાં અલગ-અલગ રાજ્યોમાં ઘાતક ચાઈનીઝ દોરી મોકલી રહ્યા હતા.
ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે ચાઈનીઝ દોરીની ફેક્ટરી મળી હતી, એની તપાસ કરતાં હવે પાંડેસરા જીઆઇડીસીમાં ચાઈનીઝ દોરી રાખવા માટે ગોડાઉન મળ્યું છે. ત્યાં જઈને તપાસ કરવામાં આવી તો મયૂરભાઈ પટેલ અને સંજયભાઈ પટેલ બંનેએ ભાડે પ્લોટ લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે યાર્ન જે અમે બનાવી રહ્યા છીએ એને બહાર મોકલવાનું છે, જેનો સ્ટોક રાખવા માટે ગોડાઉનની જરૂૂરિયાત છે, આ માટે આ પ્લોટ ભાડે લીધેલો છે. ગોડાઉનમાં તપાસ કરતાં 1710 જેટલાં મોટાં બોક્સમાં ચાઈનીઝ દોરી મળી હતી. એક બોક્સની અંદર 40થી 60 જેટલી ચાઈનીઝ દોરી સાથે ફિરકી મૂકવામાં આવી હતી.
તેમણે જણાવ્યું હતું કે પ્રોડક્શનની કિંમત દોઢસો રૂૂપિયા પ્રતિ કિલો છે. જો વેટ સાથે એની કિંમત ગણીએ તો મુદ્દામાલ સાથે કુલ કિંમત 59.85 લાખ રૂૂપિયા થાય છે અને બજાર કિંમત પ્રમાણે જુઓ તો 1.80 કરોડ રૂૂપિયા થાય છે, તેથી વધુ એક જાણવાજોગ દાખલ કરવામાં આવી છે. એફએસએલ, જીએસટી વિભાગ અને તમામ નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી છે. તેમણે આ માલ સપ્લાય કરવા માટે એક ખાસ ઓફિસ બનાવી હતી. હાલ પ્રોપર બિલ્ડિંગની જાણકારી મળી નથી, પરંતુ જે વિગતો મળી છે એ મુજબ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાતનાં અન્ય શહેરોમાં તેઓ આ માલ સપ્લાય કરતા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખાસ કરીને આ માલમાં અને બોક્સની પર માત્ર ઇન્ડસ્ટ્રિયલ યુઝ લખતા હતા, જેના કારણે ટેક્સની ચોરીનો પણ કિસ્સો હોઈ શકે છે. આ માટે જીએસટીના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે. તમામ એકાઉન્ટ નંબર, પાન નંબરની પણ વિગતો મેળવી તપાસ શરૂૂ કરાઈ છે. અગાઉ પાંડેસરા વિસ્તારમાં જે ફેક્ટરી પર રેડ કરવામાં આવી હતી અને ચાઈનીઝ દોરી જપ્ત કરવામાં આવી હતી એની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ફેક્ટરીનું ગોડાઉન પણ છે. ફેક્ટરી-ગોડાઉન બંને ભાડે ચલાવી રહ્યાં હતાં. હાલ જાણવાજોગ દાખલ કરવામાં આવી છે. અવારનવાર દિવસોમાં જે પણ ફેક્ટ બહાર આવશે એના આધારે એફઆઈઆર અને ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે.
ફેક્ટરીમાં ફાઈન ફિલામેન્ટ યાર્ન બનાવવાના નામે આખું કારખાનું ચલાવવામાં આવતું હતું, પરંતુ યાર્ન બનાવવાની જગ્યાએ અહીં ચાઈનીઝ દોરી તથા એની ફિરકી બનાવી બહાર મોકલવામાં આવતી હતી. ખાસ કરીને ઉત્તરાયણ પર્વ દરમિયાન ફેક્ટરી બંધ રાખીને માત્ર યાર્નનું કામ કરાતું હતું, જેથી કોઈને શંકા ન આવે. ઉત્તરાયણ પર્વ પસાર થયા બાદ આખા વર્ષ દરમિયાન ચાઈનીઝ દોરી અને ફિરકી બનાવવાનું કામ શરૂૂ કરાતું હતું અને આ દોરીને અલગ અલગ શહેરોમાં મોકલી વેચાણ કરવામાં આવતું હતું.