કલ્યાણપુરના ગોજીનેસ ગામેથી 6.62 કરોડનું ચરસ રેઢું મળ્યું
કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ગુરુવારે સ્થાનિક પોલીસને પેટ્રોલિંગ દરમિયાન નશાકારક પદાર્થનો જથ્થો સાંપળ્યો છે. આ પ્રકરણમાં પોલીસે 13.239 કિલોગ્રામના 10 પેકેટ ચરસનો જથ્થો બિનવારસુ હાલતમાં જપ્ત કરી, કુલ રૂૂપિયા 6.62 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પી.આઈ. એમ.ડી. મકવાણાના માર્ગદર્શન હેઠળ ભાટિયા આઉટ પોસ્ટ હેઠળ આવતા દરિયાકાંઠાના ભાગોમાં ગુરુવારે સાંજના સમયે પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી.
કલ્યાણપુરથી આશરે 39 કિલોમીટર દૂર આવેલા તાલુકાના ગોજીનેસ ગામની સીમના દરિયાકાંઠા ઉપર ગુગળિયા બારૂૂના દરિયાકાંઠે પહોંચતા એ.એસ.આઈ. કરસનભાઈ ચેતરીયા તથા નિલેશભાઈ ચાવડા અને એસ. ઓ. જી.ના ભીખાભાઈ ગાગીયાને આ સ્થળેથી બિનવારસુ હાલતમાં કેટલાક પેકેટ મળી આવ્યા હતા. અહીં કાપડની બેગ વાળા પેકિંગના અલગ અલગ કુલ 10 પેકેટને ખોલીને જોતા તેમાં માદક પદાર્થ હોવાનું ખુલવા પામ્યું હતું. આમ, આ સ્થળેથી 6,61,95,000 ની કિંમતનો 13.239 કિલોગ્રામ ચરસનો જથ્થો હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી, ચરસનો આ જથ્થો મોકલનાર તેમજ મંગાવનાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
જેમાં કોઈ શખ્સો પોતાના અંગત ફાયદા માટે ઉપરોક્ત માદક પદાર્થ ચરસની હેરાફેરી કરી અને કોઈપણ કારણોસર દરિયામાં અથવા દરિયા કાંઠે પકડાઈ જવાના ડરથી આ જથ્થો ત્યજી દીધો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર કાર્યવાહી ડીવાય એસ પી સાગર રાઠોડના વડપણ હેઠળ કલ્યાણપુરના પી. આઈ. એમ.ડી. મકવાણા, પી. એસ. આઈ. કે.પી. ઝાલા, એ. એસ. આઈ. કરસનભાઈ ચેતરીયા, ચંદ્રસિંહ જાડેજા, ભીખા ભાઈ ગાગીયા, રામશીભાઈ, નેભાભાઈ, દિલીપભાઈ, ભરત ભાઈ, નિલેશભાઈ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.