રાજકોટ ઓફિસમાંથી 10.81 લાખના રોકડ-ઘરેણાંની ચોરી
મીના ગોલ્ડ બાયર નામની ઓફિસની બારીના કાચ તોડી તસ્કરો અંદર ઘુસ્યા: સીસીટીવી ફૂટેજના આધારે તપાસ
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓ બની રહી છે. ત્યારે અહી: પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરના અંતરે ત્રિકોટબાગ નજીક ગેલેકસી હોટેલની સામે મારૂતી કોમ્પલેક્ષમાં આવેલી ઓફિસમાંથી ઘરેણા-રોકડ મળી કુલ રૂા.10.81 લાખની મતાની ચોરી થયાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાલ છે. આ ઘટનામાં મહત્વની બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
બનાવની વધુ વિગતો અનુસાર, શહરેના જામનગર રોડ પર પુનિતનગર-2 શેરી-4માં રહેતા ધવલભાઇ અશોકભાઇ નાગર (ઉ.વ.35)એ ફરિયાદમાં જણાવ્યું હતુ કે, તેઓ પરિવાર સાથે રહે છે. અને ત્રિકોણબાગ પાસે ગેલેકસી હોટેલની સામે મારૂતી કોમ્પલેક્ષમાં મીના ગોલ્ડ બાયર નામે ઓફિસ ધરાવે છે. જયા તેઓ સોનાના દાગીનાનું વેચાણ કરે છે. ગઇ તા.17ના રોજ તેમની ઓફિસમાં કિંમતી સોનાના દાગીના અને રોકડ રૂા.70 હજાર પડી હતી.
આ સમય દરમિયાન તેની બંધ ઓફિસમાં કોઇ તસ્કરે ઓફિસની કાચની બારી તોડી અંદર પ્રવેશી ઓફિસના ટેબલના ખાનામાં રાખેલ સોનાના દાગીના 158.8 ગ્રામ જેની કિંમત રૂા.10.11 લાખ તેમજ રોકડ રકમ રૂપિયા 70 હજાર એમ મળી કુલ 10.81 લાખની કોઇ અજણાયો તસ્કર ચોરી કરી લઇ ગયો હતો.
આ ઘટના બાદ ધવલભાઇ ઓફિસે પહોંચતા સામાન વેરવીખેર હોય અને ટેબલના ખાનામાં રાખેલ દાગીના અને રોકડ જોવા નહી મળતા તેઓએ એડિવિઝન પોલીસમાં પહોંચી ફરિયાદ નોંધાવી હતી. આ મામલે એડિવિઝન પોલીસના પીઆઇ આર.જી.બારોટ સહિતના સ્ટાફે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.