રાજકોટમાં કાર સ્પેરપાર્ટસ શોરૂમના કર્મચારીની 19.51 લાખની ઠગાઇ
કંપનીના મેનેજરની જાણ બહાર જુદી-જુદી પાર્ટીને સ્પેરપાર્ટસ વેંચી પૈસા ચાંઉ કરી ગયો: જૂનાગઢનાં સેલ્સ એક્ઝિકયુટીવ સામે ફરિયાદ
રાજકોટ શહેરમાં વધુ એક છેતરપીંડીની ઘટના સામે આવી છે. જેમાં રાજકોટના ગોંડલ રોડ પર આહીયાના કોમર્શીયલ કોમ્પલેક્ષમાં કારના સ્પેરપાર્ટસ વેંચતી કંપનીના કર્મચારીએ મેનેજરની જાણ બહાર અલગ અલગ પાર્ટીને 19.51 લાખના કાર સ્પેરપાર્ટસ વેંચી છેતરપીંડી આચરી હતી. આ ઘટનામાં મેનેજરે જયારે હીસાબ કરતાં 19.51 લાખની ઘટ આવતી હોય જેથી માણાવદરના કર્મચારીની પુછપરછ કરતાં ભાંડો ફુટયો હતો અને કંપનીના વાઇસ પ્રેસીડેન્ટે ભક્તિનગર પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. આ મામલે પીએસઆઇ જે.જે. ગોહીલ તપાસ ચલાવી રહ્યા છે.
વધુ વિગતો અનુસાર અમદાવાદના થલતેજ શીલજ રોડ અભીપુષ્પ બંગ્લોઝમાં રહેતા વિવેક અશોકભાઇ ભંડારી (ઉ.વ.43)એ ફરીયાદમાં તેની કંપની કોન્સેમ્પ મોબીશના સેલ્સ એકજીકયુટીવ દીપક ગોવિંદ વાળા (રહે.માણાવદર, જુનાગઢ)નું નામ આપતા તેમની સામે ભક્તિનગર પોલીસના પીઆઇ સરવૈયાની રાહબરીમાં કલમ 316 (4) મુજબ ફરીયાદ નોંધાઇ છે તેમજ આ બનાવ અંગે પીએસઆઇ જે.જે. ગોહીલ તપાસ ચલાવી રહ્યા છે. તેમજ આરોપીની શોધખોળ ચાલી રહી હોવાનું પોલીસમાંથી જાણવા મળ્યું હતું.
વિવેકભાઇએ ફરીયાદમાં જણાવ્યું હતું કે તેઓ કોન્સેપ્ટ મોબીશ કંપનીમાં વાઇસ પ્રેસીડેન્ટ તરીકે નોકરી કરે છે.
આ કંપનીમાં જ કામ કરતા જુનાગઢના માણાવદરના દિપક વાળા કે જેઓ આ કંપનીમાં સેલ્સ એકિઝકયુટીવની નોકરી કરે છે. તેમણે સાલ 2023થી અત્યા સુધીમાં કોન્સેપ્ટ મોબીશ કંપની તરફથી મિલકત ઉપરના આપેલ અધિકારનો દુરઉપયોગ કરી અને કંપનીમાં હુન્ડાઇ કંપનીની કારના અલગ અલગ સ્પેરપાર્ટસ જુદી જુદી પાર્ટીને વેંચી તેની રકમ રૂા.19.51 લાખ મેળવી અને તે નાણા કંપનીમાં જમા કરાવવાના બદલે પોતાના અંગત વપરાશમાં પૈસાનો ઉપયોગ કરી અને કંપનીમાં હીસાબ નહીં કરાવી છેતરપીંડી આચરી હતી. ત્યારબાદ કર્મચારી દીપકને વાત કરતા પૈસા જમા કરાવવાનું કહેતા તેમણે બહાના બતાવવાનું શરૂ કર્યું હતું અને થોડા દિવસમાં પૈસા ભરી દઇશ કહી આજ દીન સુધી પૈસા ન ભરતા કંપનીના વાઇસ પ્રેસીડેન્ટ વિવેક ભંડારીએ ભક્તિનગર પોલીસનો સંપર્ક કરી ફરીયાદ નોંધાવી હતી. આ ઘટનામાં પીએસઆઇ જે.જે. ગોહીલ તપાસ ચલાવી રહ્યા છે.