ઉછીના પૈસા પરત આપવા કાલાવડ બોલાવી રાજકોટના કારખાનેદાર ઉપર છરીથી હુમલો
રાજકોટના કારખાનેદાર યુવાને ઉછીના આપેલા નાણા પરત આપવા કાલાવડ મામલતદાર કચેરી પાસે બોલાવી શખ્સોએ છરી વડે હુમલો કરી માર મારતા તેને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મવડી વિસ્તારમાં ક્રિષ્ના પાર્ક શેરી નં. 8 માં રહેતો નીતિન વિનુભાઈ વાઘેલા (ઉ.વ.32) નામનો કારખાનેદાર યુવાન ગઈ કાલે કાલાવડ મામલતદાર કચેરી પાસે હતો ત્યારે દિનેશ માટિયા, જીતેન્દ્ર શીંગાળા, લાલા ભરવાડ અને તેની સાથેના શખ્સોએ છરી વડે હુમલો કરી માર મારતા તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં નીતિનભાઈ આહિર ચોકમાં લાઈટર બનાવવાનું કારખાનું ચલાવે છે. તેમણે આરોપી જીતેન્દ્ર શિંગાળાના પુત્ર મીતને રૂા. 3.20 લાખ ઉછીના આપ્યા હતા જેથી આરોપીઓએ ફોન કરી પૈસા પરત આપવા માટે કાલાવડ મામલતદાર કચેરી પાસે બોલાવી હુમલો કર્યો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કાલાવડ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.