જ્યોતિનગર ચોક પાસે કારમાંથી 60 બોટલ દારૂ સાથે વેપારી ઝડપાયો
શહેરના કાલાવડ રોડ પર કિસ્ટન મોલ પાછળ આવેલા જ્યોતીનગર ચોક પાસેથી પોલીસે બાતમીના આધારે કારમાંથી 78 હજારના દારૂના જથ્થા સાથે વેપારીને ઝડપી લઇ દારૂ અને કાર મળી કુલ રૂા.4.03 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ એલસીબી ઝોન-2ના પીએસઆઇ આર.એચ.ઝાલાના માર્ગદર્શન હેઠળ એએસઆઇ જે.વી.ગોહીલ, શક્તિસિંહ ગોહીલ, હેમેન્દ્ર વાધીયા, ધર્મરાજસિંહ ઝાલા, કુલદિપસિંહ રાણા સહિતનો સ્ટાફે પેટ્રોલિંગમાં હતો દરમિયાન જ્યોતીનગર ચોક પાસે સીલ્પન બંગલોઝના ગેઇટ પાસે દારૂ ભરેલી કાર ઉભી હોવાની બાતમી મળતા પોલીસે દોડી જઇ કારની તલાશી લેતા તેમાથી વિદેશી દારૂની બોટલ નં.60 કિં.78 હજાર મળી આવતા પોલીસે કાર ચાલક ભૌમિક યોગેશભાઇ પારેખ રહે. સીલ્પન બંગલોઝ નં.8ની ધરપકડ કરી દારૂ અને કાર મળી કુલ રૂા.4.03 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલો આરોપી વેપારી હોવાનુ અને તેના વિરૂધ્ધ અગાઉ તાલુકા અને યુનિ.પોલીસ મથકમાં દારૂ સહિત ત્રણ ગુના નોંધાયા હોવાનુ જાણવા મળ્યુ છે.