IPLની ફાઈનલ મેચ પર ઓનલાઈન આઈડીમાં સટ્ટો રમતો વેપારી પકડાયો
આઈપીએલ ટી-20 સીઝનની મંગળવારે ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચ ઉપર શહેરના ગૌતમનગર વિસ્તારમાંથી ઓનલાઈન આઈ.ડી.નો સટ્ટો રમતાં કીચન વેરના વેપારીને ક્રાઈમ બ્રાંચે ઝડપી લઈ આઈ.ડી.આપનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એસ.વી.ચુડાસમા, એએસઆઈ વિજય સોઢા, કોન્સ્ટેબલ સંજય અલગોતર, કરણ કોઠીવાળ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન ગૌતમનગર મેઈન રોડ પર એક શખ્સ પોતાના મોબાઈલમાં આઈ.ડી.નો ક્રિકેટ સટ્ટો રમતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી કોઠારીયા રોડ પર અયોધ્યા સોસાયટીમાં રહેતાં કીચનવેરના વેપારી જય વલ્લભભાઈ હરસોંડાને ઝડપી લઈ તેની પાસે રહેલા મોબાઈલની તલાસી લેતાં તેમાં ક્રીક બેટ 99 નામની ખુલી હોય જેમાં આઈપીએલની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ ઈલેવન વચ્ચે રમાઈ રહેલી ફાઈનલ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતો હોવાનું ખુલવા પામતાં પોલીસે તેની ધરપકડ કરી રૂા.80 હજારનો મોબાઈલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીની પુછપરછમાં આઈ.ડી.તેને ઉત્તમ વિરળીયા નામના શખ્સે આપી હોવાની કબુલતા આપતાં પોલીસે બન્ને વિરૂધ્ધ ગુનો નોંધી આઈ.ડી.આપનાર ઉત્તમ વિરડીયાની શોધખોળ હાથ ધરી છે.