નામચીન માજીદ અને ઇશોભાની મિલકતો પર પણ બુલડોઝર પહોંચ્યા
પીજીવીસીએલ અને કોર્પોરેશનને સાથે રાખી પોલીસ શહેરના 1પ જેટલા લિસ્ટેડ ગુનેગારોની મિલકતો ઉપર બુલડોઝર ફેરવવાની તૈયારી : ગુજસીટોકના આરોપીનું વીજ જોડાણ કટ
જંગલેશ્ર્વરના નામચીન શખ્સના ઘરે ડિમોલેશન કર્યા બાદ આજે દુધસાગર રોડ પર રહેતા ગુજસીટોકના આરોપીના ઘરનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું તેમજ પોલીસ પર હુમલો કરનાર નામચીન માજીદ અને ઇશોભાનાં ગેરકાયદેસર બાંધકામનુ ડીમોલેશન કરવા પોલીસ ટીમ તેના ઘરે પહોંચી છે અને હવે પોલીસે શહેરના અન્ય 15 જેટલા ગુનેગારોની ગેરકાયદેસર મિલ્કતોની માહિતી મેળવી છે અને હવે ટુંક સમયમાં જ પીજીવીસીએલ અને કોર્પોરેશનને સાથે રાખી પોલીસ આવા ગુંડાઓના ઘર ઉપર બુલ્ડોઝર ફેરવશે આ મામલે મહાનગરપાલિકા અને પીજીવીસીએલને પત્ર લખી આ ગેરકાયદેસર બાંધકામ અને વીજ કનેક્શનની માહિતી મેળવવામાં આવી છે.
રાજ્ય પોલીસવડા વિકાસ સહાયએ 100 કલાકમાં ગુજરાતભરમાં કુખ્યાત ગુનેગારોની યાદી તૈયાર કરવા સુચના આપી હોય જેને પગલે રાજકોટ શહેર પોલીસ દ્વારા 756 અસામાજીક તત્વોની યાદી તૈયાર કરી હતી.
અને આવા કુખ્યાત ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામ કે, ગેરકાયદેસર વીજ કનેક્શન બાબતેની માહિતી પોલીસે પીજીવીસીએલ અને મહાનગરપાલિકા પાસેથી મેળવી આવા ગુનેગારો સામે કાર્યવાહી આરંભી હોય જેમાં કુખ્યાત રમાના મકાન ઉપર બુલ્ડોઝર ફેરવવામાં આવ્યું હતું. જંગલેશ્ર્વરના કુખ્યાત જાવીદ જુણેજા અને તેની પત્ની રમા કે જેઓ અનેક ગુનામાં સંડોવાયેલા હોય અને આવા ગેરકાયદેસર અને ગુનાખોરીના રૂપિયાથી ગેરકાયદેર બે માળનું મકાન ઉભુ કર્યુ હોય જે અંગેની જાણ પોલીસને થતાં પોલીસ કાફલા સાથે મકાન ડીમોલેશન કર્યુ હતું અને આજે બીજા દિવસે પોલીસે થોરાળા વિસ્તારમાં દુધસાગર રોડ પર રહેતા અને દુષ્કર્મ સહિતના અનેક ગુનામાં સંડોવાયેલા ગુજસીટોકના આરોપી ઈમ્તીયાઝ ઉર્ફે લાલાના ઘરનું વિજ કનેક્શન કાપી નાખ્યું હતું.
અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં પોલીસે અનેક ગુના આચરતા ગેંગની યાદી તૈયાર કરી હોય જેમાં 756 લીસ્ટેડ ગુનેગારોની યાદીમાંથી ગેરકાયદેસર બાંધકામ અને વીજ કનેક્શન સહિતની બાબતો માટે પીજીવીસીઅ ેલ અને મહાનગરપાલિકાનો અભિપ્રાય મેળવ્યા બાદ હવે આ મામલે 15થી વધુ લીસ્ટેડ ગુનેગારોની ગેરકાયદેસર મિલ્કતોની માહિતી પોલીસને મળી છે. જેના આધારે હવે આગામી દિવસોમાં પીજીવીસીએલ અને કોર્પોરેશનને સાથે રાખી પોલીસ સર્જરી કરવાની તૈયારી કરી રહી છે. આવા ગુનેગારોના મકાન ઉપર બુલ્ડોઝર ફેરવવામાં આવશે અને જેનું ગેરકાયદેસર વીજ કનેક્શન હશે તે કાપી નાખવામાં આવશે.
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા સાથે ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર, ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચ, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમ આગામી દિવસોમાં કામગીરી કરશે.