સરધારમાં પૂર્વ ઉપ સરપંચની ક્રૂર હત્યા
વાડીએ સૂતેલા આધેડને અજાણ્યા શખ્સે છાતીના ભાગે મારેલો ત્રિકમનો ઘા જીવલેણ નિવડયો; નાસી છૂટેલા રાજસ્થાની મજૂર પર આશંકા
રાજકોટ શહેર - જીલ્લામા કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેમ અવાર નવાર નજીવા પ્રશ્ર્ને હત્યા અને ખુની હુમલા થયા હોવાનુ અનેક ઘટનાઓ સામે આવી છે . ત્યારે વધુ એક ચકચાર મચાવતી ઘટના સામે આવી છે જેમા સરધાર ગામનાં પુર્વ ઉપ સરપંચ પોતાની વાડીએ સુતા હતા ત્યારે મધરાત્રે અજાણ્યા શખસે છાતીનાં ભાગે ત્રીકમનો ઘા ઝીકી પુર્વ સરપંચની ક્રુર હત્યા કરી હતી. આધેડનાં મોતથી પરીવારમા કરુણ કલ્પાંત સર્જાયો હતો. જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પુર્વ ઉપ સરપંચની વાડીએ કામે આવેલો રાજસ્થાની શખસ ગાયબ હોવાથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટનાં સરધાર ગામે રહેતા અને સરધાર ગ્રામ પંચાયતનાં પુર્વ ઉપ સરપંચ હરેશભાઇ મોહનભાઇ સાવલીયા નામનાં પર વર્ષનાં આધેડ સરધારમા ગોંડલ રોડ પર આવેલી પોતાની વાડીએ સુતા હતા ત્યારે અજાણ્યા શખસોએ છાતીનાં ભાગે ત્રીકમનો ઘા ઝીકી ક્રુર હત્યા કરી હતી. આધેડની હત્યા કરી હત્યારાઓ નાસી છુટયા હતા. સવાર પડતાની સાથે જ પુર્વ ઉપ સરપંચની હરેશભાઇ સાવલીયાની લાશ વાડીએ પડી હોવાની જાણ થતા રાજકોટ આજીડેમ પોલીસ મથકનાં પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ જે. જી. રાણા સહીતનાં અધીકારીઓ અને તાલુકા પંચાયતનાં સદસ્ય ચેતનભાઇ પાણ સહીતનાં ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે જરૂરી કાર્યવાહી કરી આધેડનાં મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.
પ્રાથમીક તપાસમા મૃતક હરેશભાઇ સાવલીયા સરધાર ગ્રામ પંચાયતનાં પુર્વ ઉપ સરપંચ હતા. અને તેમને સંતાનમા બે પુત્ર નિકુંજ અને જેનીશ જે રાજકોટ ખાતે રહે છે. પુર્વ સરપંચ હરેશભાઇ સાવલીયા 3 ભાઇ બે બહેનમા મોટા હતા. તેમના પત્ની વિલાસબેન ઘરે હતા. હરેશભાઇ સાવલીયા નિત્યક્રમ મુજબ રાત્રીનાં પોતાની વાડીએ સુવા માટે ગયા હતા. જુના મજુરો વતનમા ગયા બાદ એક રાજસ્થાની મજુરને થોડા સમય પહેલા જ વાડીએ કામે રાખ્યો હતો. ઘટનાની રાત્રે હરેશભાઇ સાવલીયા અને રાજસ્થાની મજુર બંને જ વાડીએ હતા. હરેશભાઇની હત્યા બાદ રાજસ્થાની મજુર ગાયબ થઇ જતા પોલીસે શંકાનાં આધારે રાજસ્થાની મજુરનુ લોકેશન ચેક કરતા રાજસ્થાની શખસનુ લોકેશન અમદાવાદ ખાતે હોવાનુ ટ્રેસ થયુ હતુ. પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા છે. પોલીસે પુર્વ ઉપ સરપંચ હરેશભાઇ સાવલીયાની હત્યા લુંટનાં ઇરાદે કે અન્ય કોઇ કારણસર થઇ છે તે જાણવા તપાસનો દોર લંબાવ્યો છે .