જેતપુરમાં સગી બહેનની બોગસ સહી કરી ભાઇઓએ જમીન વળતરના 5 કરોડ પડાવી લીધા
બોગસ વેચાણ નોંધ રેકર્ડ ઉપર ઉભી કર્યાનો FSL રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો : સુરત રહેતા બનેવીની ફરિયાદને આધારે સાળા સહિત 8 સામે ગુનો નોંધાયો
જેતપુર તાલુકાના ચારણ સમઢીયાળા ગામની જમીન સંપાદનના કરોડો રૂૂપિયાના વળતરમાં સગા ભાઈઓએ જ બહેન સાથે છેતરપિંડી કરી હોવાની ગંભીર ફરિયાદ જેતપુર તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે. સુરત ખાતે વેપાર કરતા કેશુભાઈ મોહનભાઈ પીપળીયા (ઉ.વ. 61)એ પોતાની પત્ની સવિતાબેનના આઠ સગા-સંબંધીઓ વિરુદ્ધ, આશરે રૂૂ. 5કરોડની રકમ ની છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.
આ બાબતે કેશુભાઈએ ફરીયાદમા જણાવ્યું હતું કે, તેમના પત્ની સવિતાબેનના પિતાની જમીન સુરવો ડેમ સિંચાઈ યોજનામાં સંપાદન થવાની હતી. આ જમીનના વળતરની રકમ સવિતાબેનને ન મળે અથવા ઓછી મળે તેવા બદઈરાદાથી તેમના જ ભાઈઓ અને પરિવારજનોએ 1998થી 2024 દરમિયાન આખું ષડયંત્ર રચ્યું હતું.રેવન્યુ રેકર્ડથી લઈ બેંક સુધી છેતરપિંડીની રિયાદમાં કરાયેલા આક્ષેપો મુજબ, આ કૌભાંડને અનેક તબક્કામાં અંજામ આપવામાં આવ્યો હતો, બનાવટી વહેંચણી નોંધ, આરોપીઓએ કથિત રીતે 1970ની સાલની એક બોગસ વહેંચણી નોંધ રેકર્ડ પર ઉભી કરી હતી. આ નોંધ મુજબ, જયારે અમુક ભાઈઓની ઉંમર માત્ર 7થી 13 વર્ષની હતી, ત્યારે જ જમીનની વહેંચણી થઈ ગઈ હોવાનું દર્શાવાયું હતું, જે ગેરકાયદેસર હતું. આ નોંધ પાછળથી રેકર્ડ પર ચડાવી હોવાની શંકા વ્યક્ત કરાઈ છે.
સવિતાબેનના પિતાના અવસાન બાદ, વારસાઈ નોંધમાં તેમનું નામ દાખલ કરી, તરત જ એક બોગસ કબૂલાતનામાના આધારે તેમનું નામ કમી કરી દેવાયું હતું. આ કબૂલાતનામા પર સવિતાબેનની સહી બોગસ અને બનાવટી હોવાનો એફએસએલ એક્સપર્ટનો સ્પષ્ટ રિપોર્ટ પણ ફરિયાદ સાથે પુરાવા તરીકે રજૂ કરાયો છે.
આરોપીઓએ સવિતાબેનનો વિશ્વાસ કેળવી, કેસના કાગળોની આડમાં તેમની પાસે ખોટી રીતે પાવર ઓફ એટર્ની તથા બેંકના કોરા ચેકો પર સહીઓ કરાવી લીધી હતી. આ જ ચેકોનો દુરુપયોગ કરી, આરોપીઓએ બેંકમાંથી વળતર પેટે આવેલી અંદાજે 5 કરોડની રકમ સવિતાબેનની જાણ બહાર ઉપાડી લઈ વિશ્વાસઘાત કર્યો હતો.
આ સમગ્ર કૌભાંડમાં જે-તે સમયના તલાટી કમ મંત્રી અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા (ગોંડલ શાખા)ના અધિકારીઓની પણ મિલીભગત હોવાનો ગંભીર આક્ષેપ ફરિયાદમાં કરાયો છે. જેતપુર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે, જેમાં અનેક મોટા માથાઓની સંડોવણી ખુલે તેવી શક્યતા છે. પોલીસે કેશુભાઇ પીપળીયાની ફરીયાદને આધારે સુરત રહેતા ધનજીભાઈ બાવાભાઈ મોવલીયા, સમજુબેન જીણાભાઈ મોવલીયા, રિધ્ધિશ જીણાભાઈ મોવલીયા, જસ્મીનબેન અમીતકુમાર રાદડીયા, કૃતિબેન જીણાભાઈ મોવલીયા, રૈયાભાઈ બાવાભાઈ મોવલીયા, જયંતિભાઈ બાવાભાઈ મોવલીયા, ભુરાભાઈ બાવાભાઈ મોવલીયા વિરુધ્ધ ગુનો નોધી પીઆઇ એ. એમ હેરમા સહિતના સ્ટાફે વધુ તપાસ શરુ કરી છે.
