ઉનામાં બનેવીની હત્યા કરનાર સાળો ઝડપાયો
ગીર સોમનાથમાં ઉના પોલીસે અકસ્માતના બનાવમાં ઊંડી તપાસ કરીને હત્યાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે આરોપી રોહિતગિરી ઉર્ફે રિકી ગોસ્વામીની ધરપકડ કરી છે. તેણે પોતાના બનેવી ભરતગિરી ગૌસ્વામીની હત્યા કરી હતી.
ગત તા.20 એપ્રિલના રોજ આરોપી રોહિતગિરી તેના સંયુક્ત પરિવાર સાથે કનકાઈ ફરવા જઈ રહ્યો હતો. રસ્તામાં કચરો ફેંકવા બાબતે વડીલોએ ના પાડતાં તે ગુસ્સે થયો હતો. ત્યારબાદ તેણે પોતાની મારુતિ સુઝુકી ઈકો કારથી ભરતગીરીને જાણીજોઈને અથડાવ્યા હતા. પ્રથમ દ્રષ્ટિએ આ કેસ અકસ્માતનો લાગતો હતો. પોલીસ ઈન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ રાણાએ સ્થળ તપાસ દરમિયાન શંકાસ્પદ પરિસ્થિતિ જોતાં વધુ તપાસના આદેશ આપ્યા હતા. સર્વેલન્સ ટીમને બાતમી મળી કે આ અકસ્માત નહીં પરંતુ હત્યાનો કેસ છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, આરોપીએ બનેવીને રસ્તા વચ્ચે ઊભા રાખી, કાર વડે અથડાવ્યા હતા. એટલું જ નહીં, તેમના પર કાર ચડાવી ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલ્યો હતો.
મૃતકના પુત્ર મીતગિરી ગૌસ્વામી (ઉ.વ.22)ની ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હત્યામાં વપરાયેલી કાર પણ કબજે કરી છે.