મિલકત મુદ્દે ભાઇ-ભત્રીજાએ આધેડને રહેંસી નાખ્યા
ગોંડલના વોરા કોટડામાં મધરાત્રે થયેલા હુમલામાં ઘવાયેલા પુત્રને સારવારમાં ખસેડાયો
ગોંડલ પંથકમા કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેમ ક્રાઇમનાં ગ્રાફમા ઉછાળો જોવા મળી રહયો છે. ત્યારે વધુ એક ઘટનામા ગોંડલ તાલુકાનાં વોરા કોટડા ગામે મિલકત મુદે ચાલતી અદાવતનો ખાર રાખી વાડીએ સુતેલા નીંદ્રાધીન પિતા - પુત્ર પર ભાઇ - ભત્રીજા સહીતનાં શખસોએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામા ગંભીર રીતે ઘવાયેલા આધેડનુ મોત નીપજતા બનાવ હત્યામા પલ્ટાયો હતો જયારે યુવકને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલ તાલુકાનાં વોરા કોટડા ગામે રહેતા રાજેશભાઇ ઉર્ફે રમેશભાઇ નાથાભાઇ સાકરીયા (ઉ.વ. પ0) અને તેનો પુત્ર અનીલ રમેશભાઇ સાકરીયા (ઉ.વ. ર7) પોતાની વાડીએ સુતા હતા ત્યારે રાત્રીનાં દોઢેક વાગ્યાનાં અરસામા રાજેશભાઇ ઉર્ફે રમેશભાઇ સાકરીયાનાં ભત્રીજા અજય ચના સાકરીયા, ચના જીણા સાકરીયા, સવિતા ચના સાકરીયા અને હેતલ ચના સાકરીયા સહીતનાં શખસોએ છરી, કોયતા અને ધારીયા જેવા હથીયાર વડે નીંદ્રાધીન પિતા - પુત્ર પર હુમલો કરી આડેધડ ઘા ઝીકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા પિતા - પુત્રને તાત્કાલીક સારવાર માટે ગોંડલ હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા. જયા રાજેશભાઇ ઉર્ફે રમેશભાઇ સાકરીયાની સારવાર કારગત નીવડે તે પુર્વે જ હોસ્પીટલનાં બીછાને દમ તોડી દેતા બનાવ હત્યામા પલ્ટાયો હતો. જયારે અનીલ સાકરીયાની તબીયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. આ ઘટના અંગે જાણ થતા ગોંડલ તાલુકા મથકનો સ્ટાફ તાત્કાલીક હોસ્પીટલ ખાતે દોડી ગયો હતો. અને મૃતક રાજેશભાઇ ઉર્ફે રમેશભાઇ સાકરીયાનાં મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડયો હતો.
આ અંગે પ્રાથમીક પુછપરછમા મૃતક રાજેશભાઇ ઉર્ફે રમેશભાઇ સાકરીયા 4 ભાઇ એક બહેનમા વચેટ હતા. અને તેમને સંતાનમા 3 પુત્ર છે. રાજેશભાઇ ઉર્ફે રમેશભાઇ સાકરીયા ખેતી કામ કરી પરીવારનુ ગુજરાન ચલાવતા હતા. મિલકત મુદે ચાલતી પારીવારીક તકરારમા કૌટુંબીક પરીવાર નીંદ્રાધીન કાકાને મોતને ઘાટ ઉતારી પિતરાઇ ભાઇ પર જીવલેણ હુમલો કર્યો હોવાનુ જાણવા મળ્યુ છે. અગાઉ પણ મૃતક રમેશભાઇ સાકરીયા પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાનો તેના પુત્રએ આક્ષેપ કર્યો છે. આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે હત્યા અને ખુનની કોશીષની કલમ હેઠળ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હત્યારા શખસોને ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા છે.