લાલપુરના જોગવડમાં શ્રમિક યુવાનની હત્યા કરનાર બન્ને આરોપીની ધરપકડ
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રામદૂતનગર વિસ્તારમાં પરમદીને રાત્રે મૂળ ઉત્તર પ્રદેશના વતની પરપ્રાંતિય શ્રમિક યુવાનની સામાન્ય બોલાચાલી બાદ હત્યા નિપજાવનાર બન્ને હત્યારા આરોપીઓને મેઘપર પડાણા પોલીસે ઝડપી લીધા છે, અને બંનેની વિશેષ પૂછપરછ ચલાવાઈ રહી છે. આ હત્યાના બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશના ફરુકાબાદ જિલ્લાના ફતેગઢના વતની અને હાલ લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રામદુતનગર માં રૂૂમ ભાડેથી રાખીને રહેતા દિલીપકુમાર મંગલસિંહ શ્રીવાસ્તવ નામના 32 વર્ષના શ્રમિક યુવાન પર તેના બાજુના રૂૂમમાં જ રહેતા આકાશ દીપક સિંહ તથા અવનીશ સુરેન્દ્રસિહ નામના બે શખ્સોએ લાકડી અને ગેસની નળી વડે હુમલો કરી દઈ માથામાં તથા શરીરના અન્ય ભાગોમાં ઈજા પહોંચાડી હત્યા નિપજાવી હતી.
આ હત્યાના બનાવ અંગે મૃતક દિલીપ કુમારના મોટાભાઈ રાજીવ કુમાર મંગલસિંહ એ મેઘપર પડાણા પોલીસ મથકમાં બંને હુમલાખોરો આકાશ અને અવનીશ સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે હત્યા સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન મેઘપર(પડાણા) પોલીસે હત્યા પ્રકરણમાં બી.એન.એસ. કલમ 103(1), 115(2), 296(બી), 54 તથા જી.પી.એક્ટ 135(1) મુજબના દાખલ થયેલા ગુન્હા માં સંડોવાયેલા બે આરોપીઓ આકાશકુમાર દિપકસિંહ નાઇઠાકુર (ઉવ:-23, રહે હાલ લેબર કોલોની રામદૂતનગર જોગવડ ગામ, મુળ મેનપુરી રાજ્ય:-ઉત્તરપ્રદેશ) તેમજ અવનીશ સુરેન્દ્રસિંગ ઠાકુર (ઉ.વ. 31, રહે લેબર કોલોની, રામદુતનગર જોગવડ ગામ, મુળ ગોપાલપુર જી.મૈનપુરી ઉત્તરપ્રદેશ) બંનેની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લેવામાં આવી છે જે બન્ને ની વિશેષ પૂછપરછ ચલાવાઇ રહી છે.