રાજસ્થાનથી બોટાદના બૂટલેગરે મગાવેલો રૂા. 3.37 લાખનો દારૂ પકડાયો
અમદાવાદ નજીક હાઈવે પર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો : બોટાદના રાણપુરના બૂટલેગર સહિત ત્રણ શખ્સોની શોધખોળ
અમદાવાદના એસજી હાઈવે પર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડીને રૂા. 3.37 લાખની કિંમતની 1786 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર સાથે રાજસ્થાનના શખ્સની ધરપકડ કરી હતી. પુછપરછમાં આ દારૂનો જથ્થો બોટાદના રાણપુરના બુટલેગરે મંગાવ્યો હોવાનું તપાસમાં ખુલ્યું હતું. પોલીસે દારૂ મંગાવનાર રાણપુરના બુટલેગર તથા રાજસ્થાનના સપ્લાયર સહિત ત્રણની શોધખોળ શરૂ કરી દારૂ સહિત રૂા. 9.42 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મળતી વિગતો મુજબ અમદાવાદના કર્ણાવતી ક્લબ પાસે એસ.જી. હાઈવે પર બાતમીના આધારે સ્ટેટમોનીટરીંગ સેલની ટીમે કિયાસ સેલ્ટોસ કાર જીજે 27 બીબી 1786નો પીછો કરી તેને અટકાવી હતી. તપાસ કરતા કારમાંથી રૂા. 3.37 લાખની કિંમતનો 1786 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.
કારના ચાલક રાજસ્થાનના સાંચોડ જિલ્લાના પ્રવિણકુમાર ભવરલાલ બિશ્ર્નોઈની ધરપકડ કરી હતી. દારૂ સહિત રૂા. 9.42 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પ્રવિણકુમારની પુછપરછમાં આ દારૂનો જથ્થો રાજસ્થાનના દારૂના સપ્લાયર ગણેશ ઉર્ફે મામાએ તેના સાથીદાર મહેન્દ્રની મદદથી મોકલ્યો હોય અને દારૂ બોટાદના રાણપુરના બુટલેગર બાબુલાલને આપવાનો હોવાનું તપાસમાં જાણવા મળતા સ્ટેટમોનીટરીંગ સેલે ગણેશ ઉર્ફે મામા તથા રાજસ્થાનના ખેરવાડાના મહેન્દ્ર કે જે દારૂ ભરેલી કાર આપી ગયો હોય તેમજ બોટાદના રાણપુરના બુટલેગર બાબુલાલની શોધખોળ શરૂ કરી છે.