મહુવામાં પ્રેમિકા સાથે રહેતા બૂટલેગરની પૂર્વ પ્રેમીના હાથે હત્યા
બૂટલેગરે ઉનાની મહિલા સાથે ત્રીજા લગ્ન કરતાં પૂર્વ પ્રેમીએ બદલો લીધો
ભાવનગર જિલ્લાના મહુવામાં આવેલી હબીબ વાલજી સોસાયટીમાં રહેતા નામીચા બુટલેગરે એકાદ મહિના પહેલા ઉના પંથકની મહિલાને પોતાના ઘરમાં બેસાડી હતી. જે ઉનાના દેલવાડાના શખ્સની પ્રેમીકા હોય જેની દાઝ રાખી પુર્વ પ્રેમીએ ઘસી આવી નિદ્રાધિન બુટલેગર ઉપર કુહાડાના ઉપરા છાપરી છાપરી ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાસી હતો.
આ બનાવની વિગતો એવી છે કે ભાવનગર જિલ્લાના મહુવાની હબીબ વાલજી સોસાયટીમાં રહેતા અલ્તાફભાઈ અમીરઅલી ડોઢીયાએ એકાદ મહિના પહેલા ઉના પંથકની અફસાના નામની મહિલા સાથે પ્રેમ પાંગરતા તેને તેના ઘરમાં બેસાડી હતી. પરંતુ અફસાનાને અગાઉ ગીર સોમનાથ જિલ્લાના અને ઉનાના દેલવાડામાં રહેતા નિલેશ અનીલભાઈ ખોરાસી સાથે પ્રેમ હોય અને અફસાનાએ તેને છોડી દેતા એક ફુલ દો માલીનો ઘાટ ઘડાયો હતો. દરમિયાન શનિવારની મધરાત્રે ત્રણ વાગ્યે અલ્તાફભાઈ તેના રહેણાકી મકાનના ઉપરના માળે સુતા હતા. તે વેળાએ અફસાનાનો પ્રથમ પ્રેમી નિલેશ ખોરાસી ઘસી આવ્યો હતો. અને અલ્તાફ તે આ ખોટુ કર્યુ છે. તેમ કહી જીવલેણ હુમલો કરી આડેધડ કુહાડાના જીવલેણ ઘા ઝીંકી દઈ કરપીણ હત્યા કરી નાખી હતી.
તે વેળાએ અલ્તાફભાઈના ઘરે તેનો મિત્ર અનવરભાઈ આવી વચ્ચે પડતા નિલેશે તેને પણ ઉંધી કુહાડીનો ઘા મારી તારે જીવવુ હોય તો ચુપચાપ પડયો રહે નહીંતર તારુ પણ મર્ડર થઈ જશે તેમ કહી ધમકી આપ્યા બાદ મિત્રની નજર સામે જ મિત્રને નિર્દયતાથી કુહાડી મારતો રહ્યો હતો.
આ બનાવવાની જાણ થતા મહુવા પોલીસનો મસમોટો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. અને મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. દરમિયાન પોલીસે મૃતકને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ રક્તરંજીત ઘટના સંદર્ભે મૃતક અલ્તાફભાઈના પત્ની ફરજાનાબેન અલ્તાફભાઈ ડોઢીયા (રે. મુનીવર સોસાયટી, ભાદ્રોડ ઝાપા, મહુવા)એ મહુવા પોલીસ મથકમાં આરોપી નિલેશ અનિલભાઈ ખોરાસી (રે. દેલવાડા તા. ઉના, જિ. ગિર સોમનાથ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મૃતક અલ્તાફ ડોઢીયા મહુવાના દારૂના ધંધા સાથે સંકળાયેલ હતો અને મહુવા પોલીસ સ્ટેશનમાં નાના મોટા ગુનાઓ પણ નોંધાઈ ચુક્યા હતા. મૃતક મહુવામાં ઘણા વર્ષોથી દારૂના ધંધા સાથે સંકળાયેલ હોય તેવું પણ સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું હતું.
મહુવાની હબીબ વાલજી સોસાયટીમાં હત્યાનો બનાવ બન્યો તે વેળાએ મૃતક અલ્તાફ સાથે તેનો મિત્ર અનવર પણ તેના ઘરે જ સુતો હતો. નિલેશે ઘસી આવી નિદ્દાધિન અલ્તાફ પર હુમલો કરતા દેકારો સાંભળી અનવર ઉપરના માળે પહોંચતા હત્યારા નિલેશે તેને પણ ઉંધી કુહાડીનો ઘા ઝીંકી ધાક ધમકી આપી તેની નજર સામે જ અલ્તાફ ઉપર કુહાડીના ઘા ઉપરા છાપરી જીકતો રહ્યો હતો. અલ્તાફની હત્યા કર્યા બાદ નિલેશે અનવરના ગળે કુહાડી રાખી તેને મુકી જવા કહેતા અનવર અલ્તાફનું એક્ટીવા લઈ રોડ સુધી મુકવા ગયો હતો. બાદ ડરના માર્યે તેના ઘરે જતો રહ્યો હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતુંં.