બૂટલેગર કારખાનેદારનું અપહરણ કરી ઢોરમાર માર્યો
દારૂની બોટલના રૂા.1000 માટે પ્રતિક ચંદારાણા ટોળકી સાથે ઉપાડી ગયો, ફરિયાદ કરે તો માતા અને ભાઇને સળગાવી નાખવાની ધમકી આપી રોકડ-મોબાઇલ લૂંટી લીધા
શહેરમાં અવાર નવાર પોલીસ ચોપડે ચડી ચૂકેલા કુખ્યાત બુટલેગર પ્રતિક ચંદારાણાએ ફરી લખણ ઝળકાવ્યા છે. દારૂની બોટલના રૂા.1000 માટે બુટલેગરે ટોળકી સાથે મળી માંડા ડૂંગરમાં રહેતા કારખાનેદાર યુવાનનું ર્સ્કોપીયોમાં અપહરણ કરી માર્કેટ યાર્ડ પાસે લઇ જઇ ઢોર મારમાર્યો હતો અને જો ફરિયાદ કરીશ તો તારી માતા અને ભાઇને સળગાવી નાખીશ તેવી ધમકી આપી રોકડ અને મોબાઇલ લૂંટી લીધા હતા. ઇજાગ્રસ્ત યુવાન સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા આજીડેમ પોલીસે બુટલેગર પ્રતિક ચંદારાણ અને તેની ટોળકી સાથે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી પાસે આવેલા માંડા ડુંગરમાં રહેતો વિપુલ ગોવિંદભાઇ ચૌહાણ (ઉ.વ.31)નામનો યુવાન ગત તા.4ના રાત્રે 10 વાગ્યના અરસામાં માંડા ડૂંગરમાં આવેલી શક્તિ ટી સ્ટોલ નામની હોટલે હતો ત્યારે બુટલેગર પ્રતિક ચંદારાણા, કૃણાલ, હિરેન અને તેની સાથે અજાણયા ચાર-પાંચ શખ્સો સ્કોર્પિયો લઇ ધસી આવ્યા હતા. અને ઝઘડો કરી તેને બળજબરીથી સ્કોર્પિયોમાં ઉપાડી જઇ માર્કેટ યાર્ડ પાસે શેરીમાં લઇ જઇ લોખંડના પાઇપ વડે ઢોર માર મારતા તે બેભાન થઇ ગયો હતો.જેથી આરોપીઓએ ડોક્ટરને બોલાવી ઇન્જેકશન આપતા તે ભાનમાં આવ્યો હતો. બાદમાં ફરી મારમારી રાત્રીના 3.30 વાગ્યે માનસરોવરમાં કારખાનામાં લઇ જઇ ફરિયાદ કરીશ તો તારા માતા અને ભાઇને સળગાવી નાખીશ તેવી ધમકી આપી નાશી છૂટ્યા હતા.
બાદમાં તે ઘરે જતો રહ્યો હતો અને બુટલેગરે આપેલી ધમકીથી ડરી જઇ બહાર નીકતો ન હતો દરમિયાન આજે વધુ દુખાવો થતા તે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. તેણે જણાવ્યા મુજબ તે ઘડિયાળનું કારખાનનું ધરાવે છે. તેના પિતા હયાત નથી. બુટલેગર પ્રતિક ચંદારાણા પાસેથી એક મહિના પહેલા દારૂની બોટલ ઉઘારમાં લીધી હતી. જેના રૂા.1000 આપવાના હતા. 15 દિવસ પહેલા પ્રતિક ફોન કરી ગાળો આપી ઝઘડો કર્યો હતો. બાદમાં તા.4ના સાંજે ફોન કરી તારુ લોકેશન આવી ગયુું છે. ફાકી ખાવા જઇ ત્યાથી ઉપાડી જઇશું તેમ જણાવ્યું હતું બાદમાં રાત્રે ચાની હોટેલથી તેનુ અપહરણ કરી ઢોર મારમાર્યો હતો. આ ઉપરાંત આરોપીઓએ યુવતી સાથે તેના ફોટા પાડી લઇ ફરિયાદ કરીશ તો ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપી હતી અને આરોપીઓ તેનો રૂા.10000નો મોબાઇલ અને રૂા.3400ની રોકડ લૂંટી ગયા હતા. આ અંગેે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે બુટલેગર પ્રતિક ચંદારાણા આણી ટોળકી વિરૂદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
પ્રતિક ચંદારાણા સામે અનેક ગુના છતા પોલીસ છાવરી રહી છે
કારખાનેદાર યુવાનનું દારૂની બોટલના રૂા.1000 માટે સ્કોર્પિયોમાં અપહરણ કરી ઢોર માર મારનાર કુખ્યાત બુટલેગર પ્રતિક ચંદારાણા સામે 30થી વધુ ગુના નોંધાયા હોવા છતા પોલીસ છાવરી રહી હોવાથી તેની હિંમત વધી રહી હોવાનું જાણવા મળ્યુ છે. પ્રતિક ચંદારાણા વિરૂદ્ધ પોલીસ ઉપર હુમલો, બામણબોરના પત્રકાર ઉપર હુમલો કરી બંને પગ ભાંગી નાખી હત્યાની કોશીશ, લાલપરીમાં પરિવાર ઉપર હુમલો અને દારૂના અનેક ગુના નોંધાયા છે. બામણબોરમાં પત્રકારની હત્યાનો પ્રાયસ કર્યો ત્યારે બામણબોરના સરપંચ સહિતના ગ્રામજનોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી બુટલેગર પ્રતિક ચંદારાણા વિરૂદ્ધ આક્રરી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. જોકે પોલીસ બુટલેગરને છાવરી રહી હોવાથી નિદોશ લોકો ઉપર બુટલેગર રોફ જમાવતો હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.