બુકી રાકેશ રાજદેવને હાઈકોર્ટે ફટકાર્યો રૂા.5 લાખનો દંડ
ક્રિકેટ સટ્ટામાં નામ ખૂલતા પોલીસ સામે કરેલા રૂા.5 કરોડના વળતરના દાવામાં ખેલ ઊંધો પડયો, તપાસમાં સહકાર આપવા હાઈકોર્ટની સૂચના
રાજકોટના વતની ક્રિકેટ સટ્ટા સહિત અનેક સટ્ટામાં જેનું નામ અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુકયું છે તેવા રાકેશ રાજદેવ ઉર્ફે આર.આર.દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી પોલીસ ઉપર દબાણ લાવલા અમદાવાદ અને સુરત ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ પોતાનું ખોટી રીતે સટ્ટામાં નામ ખોલ્યું હોવાનો આક્ષેપ કરી 5 કરોડના વળતરનો કરેલો દાવો જસ્ટીસ નિર્ઝર દેસાઈએ ફગાવી દઈ રાકેશ રાજદેવ ઉર્ફે આર.આર.નો ખેલ ઉધો પાડી દઈ અને પોલીસ તપાસમાં સહકાર આપવા ટકોર કરી ખોટી અરજી કરવા બદલ રૂા.5 લાખનો દંડ ફટકાર્યો છે.
વિદેશથી સટ્ટાનું નેટવર્ક ચલાવતા રાજકેશ રાજદેવ પોતે નિર્દોષ હોવાનું જણાવી રહ્યો છે. ત્યારે હાઈકોર્ટે તેને આ બાબતે ફટકાર લગાવી પોલીસ અધિકારીઓ સામે કરેલા આક્ષેપ ફગાવી દીધા છે. હવે આગામી દિવસોમાં પોલીસ રાકેશ રાજદેવ સામે કડક કાર્યવાહી કરે તેવા નિર્દેશો મળી રહ્યાં છે.
ક્રિકેટ સટ્ટા બેટિંગના અનેક કેસમાં રાકેશ રાજદેવ ઉર્ફે આરઆર આરોપી છે. મૂળ રાજકોટના અને હાલ UAE રહેતાં રાકેશ પ્રતાપરાય રાજદેવ છેલ્લાં કેટલાંક વર્ષોથી દેશ છોડી વિદેશમાં સ્થાયી છે. તાજેતરમાં રાકેશ રાજદેવે હાઇકોર્ટેમાં ગુજરાત સરકાર અને અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ સામે એક અરજી કરી હતી. અરજીમાં પોલીસ અધિકારીઓ સામે આરોપ લગાવવામાં આવ્યા હતા. ક્રિકેટ સટ્ટા બેટિંગના કેસોમાં સહ આરોપીના નિવેદન આધારે પોતાને આરોપી તરીકે પોલીસ અધિકારીઓએ ચિતર્યો છે. અરજીમાં કરાયેલા આક્ષેપના આધારે Bookie RR એ પોલીસ અધિકારીઓને પોતાના ખિસ્સામાંથી 5 કરોડ રૂૂપિયા વળતર આપવા માટેની દાદ માગી હતી. પોતે નિર્દોષ હોવાનું નાટક કરનાર આર.આર.ઉર્ફે રાકેશ રાજદેવે પાવર ઑફ એટર્નીથી દુબઈમાં બેઠાં-બેઠાં હાઇકોર્ટમાં અમદાવાદ અને સુરત ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ પાસેથી 5 કરોડ વળતર મેળવવા અરજી કરી હતી. આ મામલે જસ્ટીસ નિર્ઝર દેસાઈએ અડધો ડઝન જેટલાં કેસમાં આરોપી એવા રાકેશ રાજદેવને પ્રથમ પોલીસ તપાસમાં સહકાર આપવા ટકોર કરી હતી. વિદેશની ધરતી પર છુપાઈને રૂૂપિયાના પોલીસ વિભાગ પર દબાણ લાવનારા રાકેશ રાજદેવની 5 કરોડના વળતરની અરજીને ફગાવી દઈ 5 લાખ રૂૂપિયાનો દંડ ફટકાર્યો છે. અત્રે નોંધનીય છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને સુરત ક્રાઈમ બ્રાંચે બે વર્ષ અગાઉ નોંધેલા કરોડોના ક્રિકેટ સટ્ટા બેટિંગના કેસોમાં રાકેશ રાજદેવ ફરાર છે. તેની સામે લુક આઉટ સર્ક્યુલર પણ જારી કરવામાં આવ્યો છે.
રાકેશ રાજદેવ વર્ષોથી ક્રિકેટ સટ્ટાનો કારોબાર ચલાવતો હોવાની જાણકારી ગુજરાત પોલીસને હતી. કોવિડ મહામારી બાદ ભારત છોડીને ગયેલો સટ્ટા કિંગ આજદિન સુધી પરત આવ્યો નથી. સટ્ટા બજારમાંથી પ્રતિદિન કરોડો રૂૂપિયા કમાતા રાકેશ રાજદેવની દુબઈ, જોર્જિયા, તેમજ ના દેશોમાં મોટી સંપત્તિ અને હોટેલ સહિતના ધંધા ધરાવે છે. સટ્ટા માર્કેટના સૂત્રોના જણાવ્યાનુસાર જોર્જિયા અને દુબઈ થી રાકેશ રાજદેવ હજારો કરોડના સટ્ટા બજારનું સંચાલન કરે છે. દુબઈ અને જોર્જિયામાં સટ્ટા નેટવર્કનું સંચાલન કરવા માટે ગુજરાતમાંથી રાકેશ રાજદેવ એક મોટી ટીમ પણ લઈ ગયો છે.