32 લાખની લૂંટમાં બોગસ બિલીંગ કાંડ, વધુ ચારની ધરપકડ
બોગસ બીલીંગ નાણાની ઉઘરાણીમાં બાકી રહેતાં 25 લાખ વસુલવા સમગ્ર કાવત્રુ રચાયું, સાળા-બનેવીએ ટીઆરબીની મદદગારીથી અંજામ આપ્યો
શહેરના રેસકોર્સમાં 32 લાખની લુંટ પ્રકરણમાં એક પછી એક નવા રહસ્યો ખુલી રહ્યા છે. પોલીસનો સ્વાંગ રચી આવેલા પ્ર.નગર પોલીસ મથકના ટ્રાફીક વોર્ડન શાહબાઝ ઈસ્માઈલ મોટાણીએ તેના ત્રણ સાગ્રીતો અતિક દોસ્તમોહમદ સુમરા તથા આઈ.કે.સિલેકશનના માલીકનો પુત્ર, દાનીશ ઈબ્રાહીમ શેખ અને મહેશ ખોડાભાઈ વાઘેલાની મદદથી કમિશન એજન્ટનું કામ કરતાં સમીર રશ્મીકાંત પંડયા પાસેથી 35 લાખની રોકડ ભરેલો થેલો લુંટી લીધા બાદ તેને પોલીસ મથકે લઈ આવતાં પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ વી.આર.વસાવાની સર્કતાથી સમગ્ર સત્ય બહાર આવ્યું હતું અને આ મામલે ટ્રાફીક વોર્ડન શાહબાઝ સહિતની ચારની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલાની ગુંચવણભરી તપાસમાં અંતે પોલીસે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી સમગ્ર પ્રકરણ બોગસ બીલીંગની ઉઘરાણીનું હોવાનું બહાર લાવ્યું હતું.
આ પ્રકરણની તપાસમાં વધુ ચારના નામ સામે આવ્યા છે.
જેમાં ઈમ્પોર્ટ એકસપોર્ટનો વ્યવસાય કરતાં નાનામવા રોડ પર એલીના એલીગન્સ એપાર્ટમેન્ટ ફલેટ નં.301માં રહેતાં નિશાંત અશોકભાઈ બોરસદીયા (ઉ.24), ખોડીયારનગર-4 સહકાર મેઈન રોડ પર રહેતો અને સિવિલ હોસ્પિટલ ચોક પાસે જોકર ગાંઠીયા ચલાવતો અમીત ઉર્ફે કાનો સુરેશ ઉનડકટ (ઉ.33) તેમજ મુળ કોઠાભાડુકીયાના વતની તુષાર ઉર્ફે વિક્રમ ભરતભાઈ કામાણી અને કોટડાસાંગાણીના નવાગામના વતની અને હાલ બજરંગ રેસીડેન્સીમાં રહેતાં ઉદય વિક્રમ ગરાણીયાની સંડોવણી ખુલતાં આ ચારેયની પણ ધરપકડ કરવામાં આવી છે.
લુંટના બનાવમાં સત્ય હકીકત એવી છે કે સમીર પંડયા તથા શૈલેષ મનસુખ દલસાણીયા તથા નિશાંત અશોક બોરસદીયા અને ભાવેશ મોલીયા નામના આ ચારેય મિત્રો છે અને આ ચારેય એગ્રીકલ્ચર પ્રોડકટસ અનાજ, કઠોળ, કપાસનું અલગ અલગ પેઢીમાં કમિશનથી લે-વેચનો ધંધો કરે છે. ભાવેશ મોરીયાની સ્વાદવન ફુડ’ નામની પેઢી હોય જેનો ઉપયોગ નિશાંત પટેલ કરે છે અને તેના બેન્ક એકાઉન્ટના આઈડી પાસવર્ડ અને ચેક બુક નિશાંત પાસે રહે છે.
નિશાંત બોગસ બીલીંગ અને જીએસટી મામલે કમિશનના બે લાખ ભાવેશને લેવાના હોય તે નિશાંત આપતો ન હોય બીજી તરફ શૈલેષ પટેલ, નિશાંત અને ભાવેશ બન્ને કોમન મિત્રો હોય ભાવેશની સ્વાદવન ફુડ પેઢીના એકાઉન્ટમાં નિશાંતે કોઈ વેપારીના 60 લાખ જમા કરાવ્યા હોય ત્યારે નિશાંત પોતાના બે લાખ ભાવેશને આપતો ન હોય અને ખોટી રીતે પેઢીના એકાઉન્ટનો ઉપયોગ કરે છે તેવી વાત ભાવેશે શૈલેષને કરી હતી. શૈલેષને રૂપિયાની જરૂરત હોય જેથી ભાવેશને તેના એકાઉન્ટમાં જે રૂપિયા આવેલ છે તે ઉપાડી લેવાની વાત કરતાં સમીર પંડયા કે જે ભાવેશ અને શૈલેષનો મિત્ર હોય અને તે પણ કમિશનથી વેપાર કરતો હોય તેણે વડોદરાના દિપેશ ઠક્કરની પેઢી હોય તેમાં આ 60 લાખ ભાવેશના એકાઉન્ટમાં આરટીજીએસ કરાવ્યું હતું.
ભાવેશના એકાઉન્ટમાંથી 60 લાખ ઉપડી ગયા છે તે નિશાંતને જાણ થતાં નિશાંતે ભાવેશ પાસેથી આ રૂપિયાની ઉઘરાણી કરી હતી ત્યારે શૈલેષે મધ્યસ્થી કરી નિશાંતને પોતાની ઓફિસે બોલાવી ભાવેશ પાસેની 60 લાખની ઉઘરાણી બે ચાર દિવસમાં અપાવી દેશે તેમ કહી બીજા દિવસે તેમાંથી 35 લાખ નિશાંતને આપ્યા હતાં.
બાકીના 25 લાખ બાકી રાખ્યા હતાં અને શૈલેષને પોતાને રૂપિયાની જરરત હોય બેંકમાંથી લોન મંજુર થઈ રૂપિયા 25 લાખ આપી દેશે તેમ જણાવ્યું હતું. પરંતુ શૈલેષે તે રૂપિયા 25 લાખ નિશાંફતને આપ્યા ન હોય બીજી તરફ ગત તા.7-10નાં રોજ સમીરના મિત્ર અશોકભાઈ ઝાલાને રોકડા રૂપિયાની જરૂરત હોય જેથી 41 લાખ સમીર સાથે વાત કરી શૈલેષ પટેલનાં એકતા એન્ટરપ્રાઈઝમાં ટ્રાન્સફર કરાવ્યા હતાં અને આ આરટીજીએસની રકમ રોકડામાં રૂપાંતરીત કરવા નિશાંત પટેલનો સંપર્ક કર્યો હતો અને નિશાંતે રોકડા આપવાની હા પાડી હતી. અને સમીર પાસેથી 32 લાખ નિશાંતે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી તેના રોકડા સમીરભાઈને આપી દેશે તેવું જણાવ્યું હતું.
પરંતુ નિશાંતે પોતાના અગાઉના 25 લાખ જે શૈલેષ પટેલ પાસેથી લેવાના બાકી હોય જેથી નિશાંત તેનો સાળો જોકર ગાંઠીયાવાળો અમીત ઉર્ફે કાનો સુરેશ ઉનડકટ તથા તુષાર ઉર્ફે વિક્રમ કામાણીએ કાવતરું રચી ટ્રાફીક વોર્ડન શાહબાઝ મોટાણી અને તેના સાગ્રીતો સાથે મળી સમીરને રેસકોર્ષ રૂપિયા લેવા બોલાવી અને લુંટ લચાવી હતી. સમીર ગમે તે રીતે રૂપિયાની કોઈ સાબિત નહીં કરી શકે અને ગભરાઈ જઈને પોલીસ પાસે જશે નહીં કારણ કે આ બોગસ બીલીંગના હવાલાના રૂપિયા હોય જેથી શાહબાઝે પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને 32 લાખની લુંટ ચલાવી હતી.
આ મામલે પોલીસે જીણવટ પૂર્વે તપાસ કરીને આ સમગ્ર લુંટનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ તેમજ એસીપી રાધિકા ભારાઈની સુચના અને માર્ગદર્શન હેઠળ પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ વી.આર.વસાવા સાથે ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.એમ.ડામોર અને તેમની ટીમે કામગીરી કરી હતી.
તપાસમાં ક્લિનચીટ, લૂંટ કાંડમાં કોઈપણ પોલીસની સંડોવણી નથી
આ 32 લાખની લુંટ મામલે બનાવ બાદ ટ્રાફીક વોર્ડન શાહબાઝ મોટાણી સાથે કોઈ પોલીસમેનની સંડોવણી હોવાની ચર્ચા થઈ રહી હતી. આ મામલે ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને ડીસીપી રાકેશ દેસાઈએ તલસ્પર્શી તપાસ માટે આ અંગે ક્રાઈમ બ્રાંચને જવાબદારી સોંપી હતી અને તેમાં કોઈપણ પોલીસની સંડોવણી બહાર આવે તો તેના વિરૂધ્ધ પણ ગુનો નોંધવા અને ધરપકડ કરવા સુધીની તૈયારીઓ રાખવા સુચનાઓ આપી હતી. જો કે આ મામલે શાહબાઝ મોટાણીના કોલ ડીટેઈલના આધારે તપાસમાં કોઈપણ પોલીસની સંડોવણી હોવાની વાતને નકારી કાઢવામાં આવી છે અને આ લુંટનો મામલો બોગસ બીલીંગ અને હાવાલાનો હોવાનું સ્પષ્ટ થયું છે જેથી પોલીસની દોરવણી અને સંડોવણીની વાત ઉપર પૂર્ણ વિરામ મુકાયું છે.