ગોંડલ રોડ પરથી ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો
શહેરના ગોંડલ રોડ પરથી ઇજાગ્રસ્ત હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મોતનું કારણ જાણવા મૃતદેહને પીએમમાં ખસેડી ઓળખ મેળવવા વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર રાજકમલ પેટ્રોલ પંપ પાસે શેરીમાં શ્રીજી ઓટો પાર્ટસ નામની દુકાન પાસે બેભાન હાલતમાં અજાણ્યો યુવાન (ઉ.વ.35) મળી આવ્યો હતો.
જેના માથાના ભાગે તથા શરીરે ઇજા થયેલી હોય તેને બેભાન હાલતમાં 108 મારફત સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઇ તપાસી મરણ ગયાનું જાહેર કર્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી માલવિયાનગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પીટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી હતી. કોઇ અકસ્માતમાં ઇજા થયાનું અનુમાન સેવાઇ રહ્યું છે. જો કે ઓળખ થયા બાદ મોતનું સાચુ કારણ બહાર આવશે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.