રાજકોટમાં બાઇક અથડાવા મુદ્દે બર્થ ડે બોયને અજાણ્યા શખ્સોએ બંધક બનાવી લમધાર્યો
મિત્રો સાથે થયેલી બોલાચાલીના સમાધાન માટે બોલાવી હુમલો કર્યાનો આરોપ
રાજકોટમા લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર નજીવા પ્રશ્ર્ને મારામારી થતી હોવાની ઘટનાઓ પોલીસ દફતરે નોંધાઇ રહી છે ત્યારે વધુ એક બનાવમા રાજકોટમા જન્મ દિવસે મિત્રો સાથે જમીને પરત ફરતા યુવકનુ બાઇક અડી જવા મુદે અજાણ્યા શખસોએ ઝઘડો કર્યો હતો. અને બાદમા સમાધાનનાં નામે કોઠારીયા રેલવે સ્ટેશન પાસે લઇ જઇ હાથ - પગ બાંધી મોઢે ડુમો દઇ ઢોર માર માર્યો હોવાનાં આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમા કોઠારીયા રોડ પર આવેલા નારાયણ નગરમા રહેતો યશ મનુભાઇ ત્રીવેદી નામનો રર વર્ષનો યુવાન રાત્રીનાં બારેક વાગ્યાનાં અરસામા કોઠારીયા રેલવે સ્ટેશન પાસે હતો . ત્યારે ગટીયા સહીતનાં ત્રણ અજાણ્યા શખસોએ ઝઘડો કરી લોખંડનાં સળીયા વડે માર માર્યો હતો હુમલામા ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યો હતો. ઘટનાં અંગે જાણ થતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવીલ હોસ્પીટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમીક પુછપરછમા યશ ત્રીવેદીનો ગઇકાલે જન્મદિવસ હતો. જન્મદિવસે પોતાનાં મિત્રો સાથે હોટલમા જમા બાઇક લઇને પરત ફરતો હતો . ત્યારે હુમલાખોર શખસનાં પગે બાઇક અડી જવા મુદે ઝઘડો થયો હતો જે ઝઘડાનાં સમાધાન માટે ગટીયા સહીતનાં શખસોએ યશ ત્રીવેદીને કોઠારીયા રેલવે સ્ટેશન પાસે બોલાવ્યો હતો જયા યશ ત્રીવેદીનાં સીંધરીથી હાથ - પગ બાંધી દીધા હતા. અને મોઢે કાળુ કપડુ બાંધી દઇ માર માર્યો હતો. તે દરમ્યાન ત્યાથી પસાર થઇ રહેલી બે મહીલાને બચાવવાનુ કહેતા હુમલાખોરોએ છોડી મુકયો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. આક્ષેપનાં પગલે આજી ડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.