ભાવનગરમાં રેલવેના ડેપ્યુટી ચીફ મિકેનિકલ એન્જિ.ની ઓફિસમાં બાયોમેટ્રિક સાધનોમાં તોડફોડ
ભાવનગરપરા રેલવે સ્ટેશન પર રેલવે વર્કશોપમાં કામ કરતા કર્મચારીએ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધા બાદ રોષે ભરાયેલા રેલવે કર્મચારીઓએ ભાવનગરપરા સ્ટેશન પાસે આવેલ ડેપ્યુટી ચીફ મિકેનિકલ એન્જિનિયરની ઓફિસમાં લગાવેલ બાયોમેટ્રિક સાધનોની તોડફોડ કરી રૂૂ. 5 લાખનું નુકસાન કર્યાની 05 રેલવે કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગઈ તા. 20/3 ના રોજ રેલવે વર્કશોપમાં કામ કરતા રેલવે કર્મચારી ઘનશ્યામભાઈ ચૌહાણ એ ભાવનગર પરા સ્ટેશન પર ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લેતા કર્મચારીઓ ટોળે વળ્યા હતા અને આપઘાત કરનાર કર્મચારીના કંટ્રોલિંગ ઓફિસર દીનાનાથ વર્માના કામ અંગેના ભારણથી કંટાળી જઈ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરીને અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે ભાવનગર પરા રેલવે સ્ટેશન પાસે આવેલ ડેપ્યુટી ચીફ મિકેનિકલ એન્જિનિયરની કચેરી ખાતે ઑફિસર સૌરભકુમાર રાજસિંઘને ઉગ્ર રજૂઆતો કરી હતી. ત્યારબાદ કર્મચારીઓ દ્વારા ધરણા અને આંદોલન શરૂૂ કરવામાં આવ્યું હતું. કર્મચારીના આપઘાતના પગલે રોષે ભરાયેલા રેલવે કર્મચારીઓએ ડેપ્યુટી ચીફ મિકેનિકલ એન્જિનિયરની ઓફિસમાં લગાવેલા બાયોમેટ્રિક સાધનોમાં તોડફોડ કરી રૂૂ. 5 લાખનું નુકસાન કર્યું હતું.
ડેપ્યુટી ચીફ મિકેનિકલ એન્જિનિયર દ્વારા ઓફિસ તેમજ ઓફિસની બહાર લગાવેલ સીસીટીવી કેમેરામાં તપાસ કરાવતા રેલવે કર્મચારીઓ ઓમ પ્રકાશ જાટ, મયુરસિંહ ગોહિલ, રાકેશ પટણી, અનુજકુમાર દ્વારા તેમના યુનિયન લીડર રામરાજ મીના ના કહેવાથી તોડફોડ કરી હોવાનું ખુલ્યું હતું.આથી રેલવેના ડેપ્યુટી ચિફ મિકેનિકલ એન્જિનિયર સૌરભકુમાર રાજસિંઘ છોટારામ સિંઘ એ સ્થાનિક બોરતળાવ પોલીસ મથકમાં તેમની ઓફિસમાં લગાવેલ બાયોમેટ્રિક સાધનોની તોડફોડ કરી રૂૂ. પાંચ લાખનું નુકસાન કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.