ભોમેશ્ર્વરની મહિલા સાથે હજયાત્રાના નામે 6 લાખની ઠગાઇ
આરોપીએ ઘણા લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા: ગુનો નોંધાતા સકંજામાં લેવા તજવીજ
વડોદરાના ગોરવાના ભંડારી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકે પૈસા પડાવી ફોન ઉપાડવવાનું બંધ કરી દીધું
વડોદરાના ગોરવાના ભંડારી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકે મક્કા મદીના હજયાત્રા માટે લઇ જવાના નામે રાજકોટના ભોમેશ્વર રહેતા મહિલા પાસેથી 6.10 લાખ પડાવી લીધાની ફરિયાદ નોંધાઈ છે.
વધુ વિગતો મુજબ,જામનગર રોડ ભોમેશ્વર પ્લોટ 6/12ના ખૂણે રહેતા જમીલાબેન ઇસ્માઇલભાઈ સોલંકી(ઉ.50)એ વડોદરાના ગોરવામાં હુસેની પાર્કમાં ભંડારી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ચલાવતા સોયેબ ઇકબાલ રાણા સામે 6.10 લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવી છે.જમીલાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓએ તા.19ના રોજ પોલીસ કમિશનરને અરજી આપી હતી.તેમાં તેઓએ જણાવ્યું હતું કે,2023ની સાલમાં મારે હજ કરવાનુ હોય જેથી આ બાબતે સગા સંબંધીમાં વાત કરી હતી અને ભત્રીજા આશીફ ઇબ્રાહીમભાઇ અજમેરીએ મને વાત કરી હતી કે મારા મામા સાદીકભાઈ તેના પરિવાર સાથે ઉમરાહ કરવા માટે ગયા હતા અને તેને ભંડારી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ બી-12/1, હુસેની પાર્ક, બીસ્મીલ્લાહ પાર્ક ગોરવા વડોદરા વાળાએ પેકેજ આપ્યું હતુ અને સારી વ્યવસ્થા હોવાની મને વાત કરી હતી.
બાદમાં જમીલાબેને તેનો સંપર્ક કર્યો હતો અને તેને પોતાનુ નામ સોયેબ ઇકબાલ રાણા હોવાનુ કહ્યું અને જણાવેલ હતુ કે 2023 માં તમને હજમાં મોકલી આપીશ અને તેની પેટે જમીલાબેન પાસે પ્રથમ ત્રણ લાખ રૂૂપીયા માંગ્યા હતા.જેથી તેમનું ખાતું ત્રીકોણ બાગ પાસે આવેલ બેન્ક ઓફ બરોડામાં આવેલું હોય જેમાંથી તા.21/02/2023 ના રોજ રૂૂ. 1,00,000/-તથા તા.06/03/2023 ના રોજ રૂૂ.2,00,000/- આર.ટી.જી.એસ કર્યા હતા અને સોએબે હજ માટે મોકલેલ નહીં અને સને 2024 માં હજમાં જવા માટે જમીલાબેન પાસે બીજા રૂૂપીયાની માંગણી કરતા તા.27/01/2024 ના રોજ રૂૂ.50,000/-તથા તા.29/01/2024 ના રોજ રૂૂ.50,000/- મોબાઈલ પરથી તેના મોબાઇલ નંબર પર ટ્રાન્સફર કર્યા હતા અને બાદમાં તેમણે વીઝા નથી તથા તમારે હજુ રૂૂપીયા આપવા પડશે તેમ વાત કરી બીજા રૂૂપીયાની માંગણી કરી હતી.
જેથી તા.24/05/2024 ના રોજ જમીલાબેને સગી ભાણી સમાબેન રહીમભાઇ અજમેરીના ખાતામાંથી એક લાખ,પાડોશી ધર્મેશભાઇ પરમાર પાસેથી 35 હજાર,તા.29/05/2024 ના રોજ જમીલાબેનના ખાતામાંથી રૂૂ.1,00,00 0/- તેના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા જે બધા મળી ફૂલ રૂૂ.6, 35,000 તેને આપ્યા હતા.તેમ છતા તે મને ગોળ ગોળ જવાબ આપતો હોય અને હજ યાત્રા માટે લઇ ન જતો હોય જેથી જેથી જમીલાબેને તેને હજ યાત્રા પર મોકલવા અથવા રૂૂપીયા પરત કરવા માટે જણાવતા હોય તો ગલ્લા તલ્લા કરીને ગોળ ગોળ વાતો કરતો અને મને તા.22/06/2024 ના રોજ રૂૂ.25,000/- પરત કર્યા હતા અને બાકીના રૂૂ.6,10,000/- નો ચેક આપેલ હતો જે બેન્કમાં વટાવતા બાઉન્સ થયો હતો.
સોયેબે 16 લોકો સાથે 15 લાખની ઠગાઈ કર્યાની વડોદરામાં એક મહિના પહેલા ફરિયાદ થઈ હતી
વડોદરાના ગોરવાના ભંડારી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકે મક્કા મદીના લઇ જવાના નામે બે પરિવારના રૂૂ.2.95 લાખ પડાવી લીધા હતા.સંચાલકથી છેતરાયેલા વધુ લોકો બહાર આવી રહ્યા છે.એક મહિના પહેલા 16 લોકો પાસેથી શોએબે 15 લાખ પડાવી લઇ હોવાની લેખિત રજૂઆત વડોદરા પોલીસને કરાઇ છે.