ભાવનગરના ઘાંઘળી ગામે સ્પોન્જ આયર્નનો ખોટો લેબ રિપોર્ટ તૈયાર કરી કંપની સાથે ઠગાઇ
કર્મચારી સામે વિશ્ર્વાસઘાત-છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ
ભાવનગર જિલ્લાના ઘાંઘળી ગામમાં આવેલ કે.બી.ઇસ્પાત કંપનીમાં કામ કરતા મેનેજર અને લેબ ઇન્ચાર્જે તેના મળતિયા અને કર્ણાટકની કંપની સાથે સાંઠગાંઠ કરી સ્પોન્જ આયર્ન અંગે ખોટા રિપોર્ટ તૈયાર કરી કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા કંપનીના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ઘાઘળી ગામમાં વલભીપુર રોડ પર આવેલ કે.બી. ઇસ્પાત કંપનીમાં લેબ ઇન્ચાર્જ તરીકે કામ કરતા પ્રવીણ બિંદેશ્વરી પાંડે કંપનીમાં આવતા સ્પોન્જ આયર્નનો ટેસ્ટિંગ રિપોર્ટ ખોટો આપી અન્ય કંપની સાથે સાથ ગાંઠ કરી કમિશન ખાય છે તેવી માહિતી તેમના હિતેચ્છુ તરફથી મળતા કંપનીએ તેમના એજન્ટ મારફત લક્ષ્મી બાલાજી સ્પોન્જ આયર્ન પ્રા.લી. ( બેલારી, કર્ણાટક ) માંથી મંગાવેલ સ્પોન્જ આયર્નનો કંપનીના લેબ ઇન્ચાર્જ એ તૈયાર કરેલ રિપોર્ટ તેમજ આ માલમાંથી સેમ્પલ લઈને અન્ય કંપનીમાં લેબ ટેસ્ટિંગ કરાવતા બંને રિપોર્ટમાં તફાવત આવ્યો હતો અને બહાર કરાવેલ રિપોર્ટમાં માલ ગુણવત્તા યુક્ત ન હોવાનું ખુલ્યું હતું, આથી કંપની દ્વારા લેબ ઇન્ચાર્જ કેમિસ્ટ પ્રવીણ પાંડેની પૂછપરછ કરતા પોતાને પૈસાની જરૂૂર હોવાથી કંપનીના મેનેજર પ્રશાંત હરિપ્રસાદ કુશવાહ સાથે મળી વિષ્ણુદત્ત કુશવાહા મારફત લક્ષ્મી બાલાજી સ્પોન્જ આયર્ન પ્રા. લિ. સાથે એક ટ્રક દીઠ રૂૂ.20 હજાર કમિશન નક્કી કરી કંપનીએ મોકલેલ માલનો ખોટો રિપોર્ટ તૈયાર કરતા હોવાનું જણાવ્યું હતું.
કંપનીના કેમિસ્ટ અને મેનેજરે મેળાપીપણું કરીને ખોટા લેબ રિપોર્ટના આધારે કંપનીને રૂૂ. 4,22,625/- નું નુકસાન કરતા કંપનીના માલિક હેમંતભાઈ રસિકલાલ વોરા ( રહે.ગીતા ચોક,ભાવનગર ) એ પ્રવીણ બિન્દેશ્વરી પાંડે, પ્રશાંત હરિપ્રસાદ કુશવાહ, વિષ્ણુ દત્ત કુશવાહ અને લક્ષ્મી બાલાજી સ્પોન્જ આયર્ન પ્રા. લિ. વિરુદ્ધ શિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.