ધોળકા પાસેથી 3.69 કરોડની વ્હેલ માછલીની ઊલ્ટી સાથે ભાવનગરના શખ્સની ધરપકડ
અમદાવાદમાં સીઆઈડી ક્રાઈમના સીઆઈ સેલ દ્વારા વટામણ-ધોળકા હાઈવે પર નેસડા ગામ નજીકથી 3.69 કરોડ રૂૂપિયાની કિંમતની વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ) સાથે ભાવનગરના રહેવાસી પ્રશાંત સુરેશભાઈ વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઈમને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી, જેમાં આરોપી ગેરકાયદેસર રીતે આ દુર્લભ પદાર્થનું વેચાણ કરવા માટે ગ્રાહકની શોધમાં હતો.
જાણવા મળ્યું છે કે સીઆઈડી ક્રાઈમની ટીમે નેસડા ખાતે એક સિરામિક ફેક્ટરી નજીક ટ્રેપ ગોઠવી હતી. બાતમી મળી હતી કે બે વ્યક્તિઓ એમ્બરગ્રીસ વેચવા માટે આવવાના છે. સીઆઈડીએ ડમી ગ્રાહક મોકલીને આરોપીઓને પકડવાનું આયોજન કર્યું. જ્યારે આરોપીઓ એર્ટિગા કારમાં સ્થળ પર પહોંચ્યા, ત્યારે સીઆઈડી ટીમે તેમની પર દરોડો પાડ્યો. આ દરમિયાન પ્રશાંત વાઘેલા પાસેથી 3.690 કિલોગ્રામ એમ્બરગ્રીસ જપ્ત કરવામાં આવ્યું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 3.69 કરોડ રૂૂપિયા છે. જોકે, બીજો આરોપી રાહુલ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો.
એમ્બરગ્રીસ, જેને વ્હેલ માછલીની ઉલટી તરીકે ઓળખવામાં આવે છે, તે સ્પર્મ વ્હેલના પાચનતંત્રમાં ઉત્પન્ન થતો દુર્લભ પદાર્થ છે. આ પદાર્થનો ઉપયોગ ઉચ્ચ ગુણવત્તાની પરફ્યુમ અને અમુક દવાઓના ઉત્પાદનમાં થાય છે. જોકે, ભારતમાં વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972 હેઠળ આ પદાર્થનો વેપાર અને સંગ્રહ ગેરકાયદેસર છે. સીઆઈડીએ જપ્ત કરેલા એમ્બરગ્રીસના નમૂનાઓ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)માં તપાસ માટે મોકલ્યા છે, જેથી તેની ગુણવત્તા અને અધિકૃતતાની ખાતરી થઈ શકે. પોલીસે આરોપી પ્રશાંત વાઘેલા સામે ગુનો નોંધીને તપાસ શરૂૂ કરી છે, જેમાં તે આ દુર્લભ પદાર્થ કેવી રીતે પ્રાપ્ત કર્યો અને તેના વેચાણનું નેટવર્ક કેવું હતું તેની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત, ફરાર આરોપી રાહુલની શોધખોળ માટે પણ પોલીસે ટીમો ગોઠવી છે. આ ઘટનાએ ગેરકાયદેસર વન્યજીવ વેપારના મુદ્દા પર ફરી એકવાર ચર્ચા ઉભી કરી છે. સીઆઈડી ક્રાઈમે જણાવ્યું છે કે આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.