ચૂંટણી જાહેર થાય એ પહેલાં ડખા ચાલુ, સરપંચ બનવા મુદ્દે આધેડ પર હુમલો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તે પૂર્વે જ ડખ્ખાઓ ચાલુ થયા હોય તેમ વાંકાનેરના સત્તાપર ગામે સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરવાની વાત કરતા આધેડ ઉપર એક શખ્સ લાકડી વડે તુટી પડ્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને તાત્કાલીક સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના સતાપર ગામે રહેતા બાબુભાઈ પુંજાભાઈ સારેસા નામના 50 વર્ષના આધેડ પોતાના ગામમાં હતાં ત્યારે સાંજના છ વાગ્યાના અરસામાં તેના જ ગામના કાના અરજણે ઝઘડો કરી લાકડી વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ
કરતા વાંકાનેર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં સત્તાપર ગ્રામ પંચાયતની ચૂંટણી નજીક આવતા બાબુભાઈ સારેસાએ સરપંચ બનવા ફોર્મ ભરવાની વાત કરી હતી. જેથી હુમલાખોર કાના અરજણને સારુ નહીં લાગતા લાકડી વડે માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.