સામખીયાળી ટોલનાકા નજીક ટેન્કરમાંથી 56.85 લાખનો બિયરનો જથ્થો ઝડપાયો
રાજસ્થાનથી મોરબીમાં ઘૂસાડે તે પહેલા ઝડપી લેવાયો: એકની ધરપકડ, ત્રણનાં નામુ ખુલ્યા
મોરબી જિલ્લાની ભાગોળે સામખીયાળી ટોલનાકે સ્ટેટ મોનીટરિંગ ટીમે ગેસના ટેન્કરમાં છુપાવીને લઈ જવાતો રૂૂ.56.85 લાખની કિંમતનો બિયરનો જથ્થો ઝડપી લીધો છે. આ સાથે એક શખ્સને પણ પકડી લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ જી.આર.રબારી અને પીએસઆઈ એસ.વી.ગલચરની ટીમને બાતમી મળતા તેઓએ સામખીયાળી ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ત્યાંથી નીકળતા જીજે 06 એઝેડ 5916 નંબરના ગેસના ટેન્કરને અટકાવી તલાસી લેતા તેમાંથી રૂૂ.56,85,120ની કિંમતના 24,192 ટીન બિયર મળી આવ્યા હતા.
જેથી ટેન્કર ચાલક વીંજારામ લચ્છારામ સિયાગ રહે. નિમબાલકોટ જી. બારમેરવાળાની ધરપકડ કરી છે. આ બિયરનો જથ્થો અને ટેન્કર મળી એસએમસીએ કુલ રૂૂ.82.05 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. આ સાથે અનિલકુમાર પંડ્યા, અર્જુન તેમજ અન્ય ત્રણ શખ્સોની પ્રાથમિક સંડોવણી ખુલતા તેની સામે સામખીયાળી પોલીસ મથકે ગુનો નોંધાવી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
(તસ્વીર : સંદિપ વ્યાસ)