બેડી વાછકપર શાળાના શિક્ષકે છાત્રાઓ સાથે અડપલાં કરતાં ભારે આક્રોસ
ધોરણ 5 ના શિક્ષકે 7થી 8 છાત્રાઓને અલગ અલગ સમયે બોલાવી મોબાઈલમાં ન્યૂડ વીડિયો બતાવ્યાનો આક્ષેપ
ભોગ બનનાર છાત્રાના વાલીએ કુવાડવા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ
રાજકોટમાં શિક્ષણ જગતને લાંછન લગાડતી એક ઘટનાબની છે. કુવાડવા પોલીસ મથક વિસ્તારમાં આવતા બેડી વાછકપર પ્રાથમિક શાળાના 47 વર્ષીય શિક્ષકે ધો. 5 માં અભ્યાસ કરતી 7થી 8 છાત્રાઓને એકલા બોલાવી મોબાઈલમાં બિભસ્ત વીડિયો દેખાડી અડપલા કરતા આ મામલે છાત્રાઓના પરિવારજનો અને વાલીઓને જાણ થતાં તેઓએ કુવાડવા પોલીસ મથકે જઈ આ મામલે ફરિયાદ નોંધાવતા રાજકોટ રહેતા બેડી-વાછકપર પ્રાથમિક શાળાના શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. અને આ ઘટના બાદ ફરાર થઈ ગયેલા નરાધમ શિક્ષકની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ બેડી વાછકપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કમલેશ અમૃતિયા નામના શિક્ષકે વાછકપર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધો. 5 અને 6ની સાત થી આઠ છાત્રાઓને સાથે અડપલા કર્યા હોવાનું બહાર આવ્યું હતું. આ શાળામાં ધો. 5 અને ધો. 6 માં અભ્યાસ કરતી એક પરિવારની ત્રીજી નાની પુત્રીને બાલવાટીકામાં અભ્યાસ માટે બેસાડવામાં આવી હોય ત્યારે આ બન્ને પુત્રીઓએ તેની માતાને ફરિયાદ કરી હતી કે, તમે નાની બહેનને શા માટે આ સ્કૂલમાં પ્રવેશ લીધો છે. તેની માતાએ આ બાબતે પુછતા બન્ને બહેનોએ શાળાના શિક્ષક કમલેશ અમૃતિયા તેમને મોબાઈલમાં બિભસ્ત વીડિયો દેખાડીને ખરાબ કામ કરતા હોવાનું જણાવતા આ બન્ને બહેનોની માતા ચોંકી ઉઠી હતી એને તેમણે આ અંગે પતિને વાત કરતા આ મામલે આ શાળામાં અભ્યાસ કરતી ગામની અન્ય છાત્રાઓને બોલાવી કમલેશ અમૃતિયાના કરતુત અંગેની સત્ય હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો.
ગામની સાતથી આઠ છાત્રાઓએ કમલેશ અમૃતિયાએ કરેલાકૃત્યની હકિકત ગ્રામજનો અને વાલીઓ સમક્ષ વર્ણવી હતી. ભોગ બનનાર છાત્રાઓએ જણાવ્યું કે, ધો. 5 નો વર્ગ શિક્ષક કાંતિ અમૃતિયા અલગ અલગ વિદ્યાર્થીઓને રિશેશમાં ક્લાસમાં બોલાવી તેમને મોબાઈલમાં બિભસ્ત વીડિયો દેખાડી તેમની સાથે અડપલા કરી ખરાબ વર્તન કરે છે. જે મામલે અંતે ગ્રામજનોએ પોલીસ ફરિયાદ માટેની તજવીજ હાથ ધરી હતી. આ ઘટનાની જાણ થતાં વાછપર બેડી ગામના ગ્રામજનોએ અને વાલીઓએ ધમાલ મચાવી હતી. આ મામલે ભોગ બનનાર તમામ છાત્રાના વાલીઓ આજે કુવાડવા પોલીસ મથકે પહોંચ્યા હતાં અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 47 વર્ષીય શિક્ષક કમલેશ અમૃતિયા આ ઘટના બાદ આજે શાળાએ આવ્યો ન હોય પોલીસે તેની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.
નરાધમ શિક્ષકની પત્ની પણ તે સ્કૂલની આચાર્યા
વાછકપર બેડી પ્રાતમિક શાળામાં બનેલી આ ઘટનાથી ગ્રામજનોમાં શાળાના શિક્ષક કમલેશ અમૃતિયા સામે ભારે ફિટકારની લાગણી ઉભી થઈ છે. ગ્રામજનોએ પોલીસને જણાવ્યું કે, છેલ્લા આશરે 17 વર્ષથી બેડી-વાછકપરની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતો કમલેશ અમૃતિયા ધો. 5 નો વર્ગ શિક્ષક છે અને આ જ સ્કૂલમાં તેની પત્ની આચાર્ય હોવાનું પણ જાણવા મળ્યું છે. નરાધમ કમલેશ અમૃતિયાએ પણ પોતાની પત્ની શાળાની આચાર્ય હોવાથી બેખૌફ બનીને આકૃત્ય આચર્યુ હોય જો કે, ભોગ બનનાર છાત્રાઓએ હિંમત કરીને પરિવારને સમગ્ર હકિકત જણાવતા તેનો ભાંડો ફૂટ્યો હતો. આ મામલે શિક્ષક કમલેશ અમૃતિયા અને તેની પત્ની વિરુદ્ધ પણ જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ ફરિયાદ કરવામાં આવશે.