મશીનરી ખરીદવા માટે લોન મેળવી બેંકને 99 લાખનો ધુંબો માર્યો
રીબડાની શિવ કોર્પોરેશન પેઢીના માલિકે કોવોટેશન રજૂ કર્યુ હતું, પૈસા જમા થયા બાદ મહિલાએ પોતાના એકાઉન્ટમાં મેળવી લીધા, છેતરપીંડીની ફરિયાદ
રાજકોટ શહેરમા છેતરપીંડીની ઘટના સામે આવી છે . જેમા રાજકોટનાં નાગેશ્ર્વર પાસે આવેલા એપલ ગ્રીન એપાર્ટમેન્ટમા રહેતા મહીલા એ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયામાથી મશીનરી ખરીદવા માટે લોનની માગણી કરી હતી . જેથી લોનની માંગણી માટે ગોંડલનાં રીબડાનાં શિવ કોર્પોરેશન પેઢી ચલાવતા માલીકે તેમને કોટેશન કાઢી આપ્યુ હતુ અને કોટેશન તેઓએ બેંકને રજુ કરતા બેંકે આ પેઢીનાં ખાતામા 99 લાખ રૂપીયા જમા કરાવ્યા હતા . પરંતુ બેંકને માલુક પડયુ કે આ મહીલાએ મશીનરી માટેની લોન મેળવ્યા બાદ બેંકની શરતો મુજબ મશીનરી નહી ખરીદી અને શિવ કોર્પોરેશન પેઢીનાં ખાતામાથી લોનનાં રૂપીયા પોતાનાં એકાઉન્ટમા મેળવી લઇ લોનનો અને મિલ્કતનો દુરપયોગ કરી પેઢી તેમજ મહીલાએ એક બીજા સાથે મીલાપીપણુ કરી બેંક સાથે 99 લાખની ઠગાઇ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકમા ગુનો નોંધવામા આવ્યો છે.
બનાવની વધુ વિગતો મુજબ જામનગર રોડ પર નાગેશ્ર્વર મંદીર પાસે રાધે એવન્યુમા રહેતા અને ત્યાજ આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા નોકરી કરતા મહીલા અધીકારી નેહાબેન અભીનવભાઇ છાબડા (ઉ. વ. 3પ ) એ જામનગર રોડ નાગેશ્ર્વર પાસે એપલ ગ્રીન એપાર્ટમેન્ટમા રહેતા ગાયત્રીબેન એમ. પંડયા અને ગોંડલનાં રીબડાનાં ઉમીયા ઇન્ડ. ઝોન 3 મા શિવ કોર્પોરેશન પેઢી ધરાવતા હરેશભાઇ જેન્તીલાલ દવે સામે છેતરપીંડી અંગેની ફરીયાદ નોંધાવી છે. આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકનાં પીઆઇ મેઘાણીની રાહબરીમા પીએસઆઇ ટી. ડી. જાડેજા અને સ્ટાફે તપાસ શરુ કરી છે. નેહાબેને ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયામા કામ કરે છે . તેઓને ત્યા ગાયત્રીબેન પંડયા એ મશીનરી ટર્મ લોનની માગણી કરી હતી જે પેટે તેઓએ રીબડામા શિવ કોર્પોરેશન પેઢીનુ કોટેશન મેળવી બેંકમા રજુ કર્યુ હતુ . તેમજ તેની સાથે અન્ય ડોકયુમેન્ટો પણ બેંકમા રજુ કર્યા હતા . ત્યારબાદ આ ડોકયુમેન્ટનુ વેરીફીકેશન કર્યા બાદ બેંક દ્વારા નીયમ મુજબ શિવ કોર્પોરેશન પેઢીનાં ખાતામા બેંકે 99 લાખ રૂપીયા જમા કર્યા હતા.
ત્યારબાદ જાણવા મળ્યુ કે ગાયત્રીબેને બેંક દ્વારા મળેલી લોનની રકમથી શરતો મુજબ મશીનરી નહી ખરીદી શિવ કોર્પોરેશન પેઢી પાસેથી આરોપી ગાયત્રીબેને બેંક દ્વારા મળેલી લોનનાં રૂપીયા પોતાનાં એકાઉન્ટમા પરત મેળવી લઇ ગાયત્રીબેનને બેંક દ્વારા મિલ્કત ઉપરનો અધીકાર સોપ્યો હોય તે મિલ્કતનો દુરપયોગ કરવા પોતાની પાસે રાખી બંને આરોપીએ એકબીજા સાથે મીલાપીપણુ કરી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા સાથે 99 લાખની છેતરપીંડી કરતા ગાંધીગ્રામ પોલીસ મથકમા ફરીયાદ નોંધવામા આવી છે . આ ઘટના મામલે પોલીસે ગાયત્રીબેન પંડયા અને રીબડાની શિવ કોર્પોરેશન પેઢી ધરાવતા હરેશ દવેની શોધખોળ શરુ કરી છે.