પડધરીના ઉકરડા ગામેથી બાંગ્લાદેશી મહિલાની ધરપકડ
કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાની ઘટના બાદ સરકાર દ્વારા ભારતમાં ગેરકાયદેસર રીતે ઘુસી ગયેલા બાંગ્લાદેશી અને પાકિસ્તાનીઓ સામે ઝુંબેશ શરૂ કરી તેમને પરત મોકલવા કાર્યવાહી શરૂ કરી હોય પોલીસે આ મામલે ચેકીંગ કરીને બાંગ્લાદેશી અને પાકિસ્તાની નાગરિકોને ઝડપી પાડયા હોય ત્યારે આ ઝુંબેશ હજુ પણ ચાલુ છે. પડધરીના ઉકરાડા ગામેથી ગ્રામ્ય એલસીબીની ટીમે સુરતથી આવેલી બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી તેની વિશેષ પુછપરછ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચનાથી જિલ્લામાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરનાર પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ સામે પોલીસે શરૂ કરેલા સર્ચ ઓપરેશનમાં વધુ એક બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ છે. રાજકોટ ગ્રામ્ય એલસીબીના પીઆઈ વી.વી.ઓડેદરા અને તેમની ટીમે પડધરીનાં ઉકરડા ગામેથી મુળ બાંગ્લાદેશની અનેં હાલ સુરતના પાંડેસરા હાઉસીંગ સોસાયટીમાં રહેતી સાજેદાખાતુન ઓમરઅલી આક્રમઅલી ગાઝીની ધરપકડ કરી હતી. જેની પાસેથી બાંગ્લાદેશનું આઈ.કાર્ડ મળી આવ્યું હોય તે ભારતમાં શા માટે આવી ? અને પડધરી કોના સંપર્કમાં હતી ? તે સહિતની બાબતો ઉપર એલસીબીએ વધુ તપાસ શરૂ કરી છે.
એલસીબીના પીઆઈ વી.વી.ઓડેદરા સાથે પીએસઆઈ એચ.સી.ગોહિલ, સ્ટાફના રવિદેવભાઈ બારડ, બ્રીજરાજસિંહ જાડેજા, વકારભાઈ આરબ, રોહિતભાઈ બકોતરા, બાલકૃષ્ણ ત્રિવેદી, મેહુલભાઈ સોનરાજ તથા પડધરી પોલીસ મથકના પીઆઈ એસ.એમ.પરમાર અને તેમની ટીમે કામગીરી કરી હતી.