રંગપર ગામેથી બાંગ્લાદેશી ઘૂસણખોર પકડાયા
રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી સામે પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચનાથી એસઓજીએ હાથ ધરેલા ચેકીંગ દરમિયાન પડધરીના રામપર ગામેથી બે બાંગ્લાદેશી ઘુસણખોરો મળી આવતા બન્નેની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આ બન્ને બાંગ્લાદેશી ઘુસણખોરો છેલ્લા ઘણા સમયથી પડધરીના રંગપર ગામે રહેતા હતા તે કોની કોની સાથે સંપર્કમાં હતા તે બાબતની તપાસ શરૂ કરવામાં આવી છે.
રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક હિમકર સિંહની સુચનાથી ગ્રામ્ય એસઓજીના પીઆઈ એફ.એ. પારગી અને તેમની ટીમે જિલ્લામાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી ઘુસણખોરોને પકડવા માટે ઓપરેશન શરૂ કર્યુ હતું. અને ચેકીંગ દરમિયાન જિલ્લાના પડધરી તાલુકાના રંગપર ગામના પાટિયા પાસે મારૂતી સોસાયટી બ્લોક નં. 3 માં રહેતા મુળ બાંગ્લાદેશના ઢાંકા રાજધાનીના જોસર જિલ્લાના મોનીરાપુર થાનાના વતની સોહિલ હુસેન યાકુબઅલી ઉ.વ.30 અને વિપોન હુસેન અમીરૂલઈસ્લામ ઉ.વ.28ની ધરપકડ કરી હતી. આ બન્ને શખ્સો ભુપતભાઈ ભરવાડના મકાનમાં ભાડેથી રહેતા હોય જે બાબતે પોલીસે મકાન માલીકની પણ પુછપરછ કરી છે. અને જરૂર જણાશે તો બેદરકારી બદલ તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવશે.
પીઆઈ એમ.એફ. પારગી સાથે ગ્રામ્ય એસઓજીના પીએસઆઈ ભાનુભાઈ મીયાત્રા તેમજ એન્ટીયુમન ટ્રાફિક યુનિટના પીઆઈ એમ.જે. ચૌધરી સાથે એસઓજીના એએસઆઈ અતુલભાઈ ડાભી, જયવીરસિંહ રાણા, અમિતભાઈ કનેરિયા, ઈન્દ્રસિંહ જાડેજા, સંજયભાઈ નિરંજની, વિજયભાઈ વેગડ, શિવરાજભાઈ ખાચર, હિતેશભાઈ અગ્રાવત, પ્રહલાદસિંહ રાઠોડ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.