13 કરોડની ઘડિયાળની દાણચોરીમાં 5 કરોડ પેનલ્ટી ભરી છતાં જામીન મળ્યા નહીં!
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિદેશી કંપનીની રૂૂ.13 કરોડની ઘડિયાળ દંપતી પાસેથી કસ્ટમ વિભાગે કબજે લઈ ધરપકડ કરી હતી. ત્યારબાદ ક્સ્ટમ ડ્યૂટીના કુલ રૂૂ. 4,99,35,776 ભરીને જામીન મેળવવા અરજી કરી હતી. જેની સુનાવણી બાદ રશીદા કોસર અને કોસર અકબરઅલી કોલાપુરવાલાની જામીન અરજી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સનત જે.
પંચાલે ફગાવી દીધી હતી. કોર્ટે નોંધ્યું છે કે, આરોપીઓ સામે દાણચોરીનો ગંભીર આરોપ છે. સ્મગલિંગથી દેશની અર્થવ્યવસ્થા ઉપર વિપરિત અસર પડે તેમ છે. જે ગુનો દેશ વિરોધી ગુનો ગણી શકાય તેમ છે. વળી આર્થિક પ્રકારના ગુનાને અન્ય ગુનાઓ કરતા જુદી રીતે મુલવવા જોઈએ. જેથી આરોપીઓના જામીન ફગાવી દેવામાં આવે છે.
અબુધાબીથી એર અરેબિયા અને ઈન્ડિગોની ફ્લાઈટમાંથી કોસર અકબરઅલી કોલાપુરવાલા પાસેથી રૂૂ.11.70 કરોડની ઘડિયાળ અને તેમની પત્ની રશીદા કોસર કોલાપુરવાલા પાસેથી 1.29 કરોડની ઘડિયાળ મળી આવી હતી. આ પછી દંપતીએ સેશન્સ કોર્ટ સુધી કરેલી જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.
બીજી તરફ કોસર અકબરઅલી કોલાપુરવાલાએ રૂૂ.11,70,23,739ની કિંમતની રિચાર્ડ મિલેની ઘડિયાળના બેઝીક કસ્ટમ ડ્યૂટી 35 ટકા લેખે રૂૂ.4.95 કરોડ અને સોશિયલ વેલ્ફેર સરચાર્જ દસ ટકા લેખે રૂૂ.40 લાખ ભરી દીધી છે. જ્યારે તેમની પત્ની રસીદા કોસર કોલાપુરવાલાએ રૂૂ.1,26,79,575ની કિંમતની ઓડમાર્સ પિગ્યુટ રોયલ ઘડિયાળની કસ્ટમ ડ્યૂટી રૂૂ.44,37,851 અને સોશિયલ વેલ્ફેર સરચાર્જ રૂૂ.4.43 લાખ ભરીને જામીન મેળવવા માટે અરજી કરી હતી. જેમાં કસ્ટમ વિભાગ તરફથી સિનિયર એડવોકેટ સુધીર ગુપ્તાએ એવી રજૂઆત કરી હતી કે, કસ્ટમ વિભાગે બન્ને મૂલ્યવાન ઘડિયાળની કિંમત રૂૂ.13 કરોડ જેટલી ગણી છે.
આટલી મોટી રકમનું દુબઈમાં પેમેન્ટ કઈ રીતે કર્યું તે બાબતનો કઈ ખુલાસો કર્યો નથી. કમ્પાઉન્ડીંગ ઓફ ઓફેન્સ સબ્જેકટીવ હોય છે તેનો હક્ક તરીકે ઉપયોગ કરી શકાય નહીં. હાલના કામે આરોપીએ ફકત કસ્ટમ ડ્યૂટી ભરી છે તે 35 ટકા જેટલી છે. જેની સાથે સો ટકા પેનલ્ટી તથા 15 ટકા સુધી વ્યાજના પ્રબંધો છે. ડ્યૂટીની રકમ ભરાય તો પણ કોર્ટ દ્વારા સજા થઈ શકે છે. જેથી જામીન અરજી ફગાવી જોઈએ. ત્યારબાદ કોર્ટે દંપતીની જામીન અરજી ફગાવી દીધી છે.