બોગસ મેડિકલ રિપોર્ટના આધારે 40 લાખનો કલેઇમ પાસ કરાવવાના કૌભાંડમાં બેનાં જામીન રદ
ચાની હોટલના સંચાલકે દેવુ ઉતારવા ખાનગી હોસ્પિટલના સ્ટાફની મદદથી કાવતરૂ રચ્યુ’તું
રાજકોટમાં ખોટા એમઆરઆઈ રીપોર્ટ રજૂ કરી રૂૂ.40 લાખનો મેડિકલેમ પાસ કરાવવાનું કૌભાંડમાં પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી હતી. જે પૈકી બે આરોપીએ જેલ મુક્ત થવા કરેલી જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.
આ કેસની હકીકત મુજબ અમદાવાદમાં પ્રહલાદનગરમાં રહેતાં ડો.રશ્મિકાંત જયંતીલાલ પટેલ (ઉ.વ.38) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મયુર કરસન છુછાંર, ડો. અંકિત હિતેષ કાથરાણી અને શ્રી સમર્પણ હોસ્પિટલના જવાબદાર કર્મીઓના નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે છેતરપીંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ગત તા.06/05/2024 ના વીમા કંપની તરફથી એક દાવાના વેરિફિકેશન માટે કંપનીમાં જાણ કરવામાં આવી હતી. જેમાં દર્દી મયુર છુછાંર વીમા પોલીસીમાંથી રૂૂ.40 લાખ વીમા પોલીસી હતી.
જે વીમા પોલીસીની રકમ મેળવવા શ્રી સમર્પણ હોસ્પિટલ રાજકોટનુ દર્દીનુ ઇન્ડોર કેશ પેપર, રાજકોટ સીવીલ હોસ્પીટલ સહયોગ ઈમેજીંગ સેન્ટરમાં પેશન્ટે કરાવેલ એમઆરઆઈના રીપોર્ટ, સદગુરુ લેબોરેટરીના બ્લડ રીપોર્ટ તથા ડિસ્ચાર્જ સમરી તથા હોસ્પિટલ તથા મેડીકલનુ બિલ વિગેરે મુંબઇ તા.30/04/2024 ના રોજ મોકલેલ હતું. વિરોધાભાસી કાગળો રજૂ કરી રૂૂ.40 લાખનો ઇન્સ્યોરન્સ ક્લેમ ઉપજાવી કાઢવાનું કૃત્ય કરી જે કાગળો ખોટા એમઆરઆઇ રિપોર્ટ રજૂ કરી જેનું સાચા તરીકે ઉપયોગ કર્યાનું ખુલતા પોલીસે આરોપી મયુર કરસન છૂંછાર, ડો. અંકિત હિતેષ કાથરાણી, ભાવિક પરેશ માંકડ, હિતેષ રામજી વાઢીયા અને હીમાંશુ ગોપાલ રાઠોડની ધરપકડ કરી હતી.
બાદ આરોપી હિમાંશુ રાઠોડ અને હિતેશ રાવિયાએ કોર્ટમાં જામીન પર છુટવા માટે જામીન અરજી કરી હતી. જે જામીન અરજીમાં પોલીસ તરફથી સોગંદનામાં રજૂ થયેલા અને સરકાર તરફે બીનલબેન રવેશીયાર દલીલ કરતા જણાવેલુ કે કાગળો બનાવેલ હોય તેવું પેપર્સ ઉપરથી સ્પષ્ટ પણે સાબિત થાય છે અને આરોપીના મોબાઇલમાં આ બાબતની ચેટ પણ મળી આવે છે જે તપાસના કામે મોબાઈલ કબજે લેવામાં આવેલ છે જેથી જામીન અરજી નામંજૂર કરવી જોઈએ તેવી રજૂઆત કરી હતી જે ધ્યાને લઈ સેશન્સ જજ શર્માએ બંને આરોપીની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે.